<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સિમેન્‍ટ કંપનીના પ્રદુષણ મુદે રાજુલાના બાબરકોટમાં રજૂઆત

 

અમરેલી- રાજુલા- સાવરકુંડલા તા.૧૫: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્‍ટ વર્ક્‍સ કંપની અને અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્‍ટ વર્ક્‍સ કોવાયા નામની આ બે કંપનીઓનું માઈનિંગ લીઝ આવેલ છે. ત્‍યારે આ બંને કંપનીઓ દ્વારા બાબરકોટ ગામની વિવિધ જમીનો પર બિનકાયદેસર માઈનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ એક ગામથી બીજા ગામ જવા માટે ના જાહેર રસ્‍તાઓનું ખનન કરવામાં આવ્‍યું છે. આ બંને કંપનીઓ દ્વારા બાબરકોટ ગામે સરકારી પડતર જમીન સર્વે નંબર ૩૬૬ પૈકી તમામ સર્વે નંબરો ઉપર બેફામ બ્‍લાસ્‍ટિંગ કરીને માઈનિંગ કરવામાં આવી રહ્યું છે.

બાબરકોટ ગામના યુવા સરપંચશ્રી દ્વારા જણાવ્‍યું છે કે  અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્‍ટ વર્ક્‍સ કંપની દ્વારા સર્વે નંબર ૨૧૬ , ૨૧૭, ૨૧૮, ૧૧૯ અને ૧૨૬ ઉપર બિનકાયદેસર માઈનિંગ ની મંજૂરી વગર માઈનિંગ કરવામાં આવી રહ્યું છે. તથા ગૌચર સર્વે નંબર ૨૧૪ પૈકી ૧ , ૨૫૧, ૨૫૨, ૨૫૩, ૨૫૪ સર્વે નંબરોમાં નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્‍યારે બાબરકોટ ગ્રામ પંચાયતને જાણ થતા ઉપસરપંચશ્રી પાચાભાઈ ભુપતભાઇ સાંખટ, સભ્‍ય જીવરાજભાઈ સાંખટ, મુકેશભાઈ ચાવડા તથા સરપંચ પ્રતિનિધી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા સ્‍થળ મુલાકાત લેવામાં આવી હતી.

તેમજ બાબરકોટ ગામથી મિતિયાળા અને બાબરકોટ ગામથી વાંઢ ગામ જતા જાહેર રસ્‍તાઓનું આ કંપની દ્વારા ખનન કરવામાં આવ્‍યું છે,  તદુપરાંત આ કંપની દ્વારા બાબરકોટ ગામથી જાફરાબાદ તરફ જતા વર્ષો જૂના રસ્‍તા પર બિનકાયદેસર વેબ્રિજ બનાવી જાહેર રસ્‍તા ઉપર દબાણ કરવામાં આવ્‍યું છે. જેના કારણે બાબરકોટ ગામના લોકો માછીમારીનો વ્‍યવસાય કરવા જવામાં પણ ખૂબ મુશ્‍કેલી થઈ રહી છે. તેવું સરપંચ પ્રતિનિધિ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્‍યું છે

(12:31 PM IST)