<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: માછલી ભરેલી બે ગાડીઓ ધડાકાભેર અથડાતા ૨ના કમકમાટીભર્યા મોત, ૧ ગંભીર

હાઈવે પર જઈ રહેલી એક ગાડીમાં અચાનક પંચર પડતા ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક ગાડીએ ઉભેલી ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ગાડીઓના લોચા વળી ગયા

વેરાવળ તા.૧૫ : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ-કોડીનાર હાઈવે પર આજે એક હચમચાવી દેનારી ઘટના બની છે. રસ્તા પર પંચર પડતા ઉભેલી ગાડી પાછળ અન્ય ગાડી ઘૂસી જતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ-કોડીનાર હાઈવે પર આજે એક અત્યંત દુખદ અને ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં માછલી ભરેલી બે ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, હાઈવે પર જઈ રહેલી એક ગાડીમાં અચાનક પંચર પડ્યું હતું. જેના કારણે ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક ગાડીએ ઉભેલી ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ગાડીઓના લોચા વળી ગયા હતા અને રસ્તા પર અકસ્માતનો ભયાનક નજારો જોવા મળ્યો હતો.

 

અકસ્માતનો પ્રચંડ ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બંને મૃતકો ગીર સોમનાથ જિલ્લાના જ વતની હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ એક વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

સ્થાનિકોએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમની ઓળખ વિધિ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

(1:40 PM IST)