News of Monday, 15th December 2025
અરે વાહ...પોરબંદરમાં ભરશિયાળે કેસર કેરીનું આગમન
સામાન્ય રીતે કેરીની સીઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે આંબા પર પાંચ મહિના વહેલા કેરી આવી ગઈ છે

અમદાવાદ, તા., ૧પઃ ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભરશિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ ઘટના ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખતની છે, જેનાથી ખેડૂતો, વેપારીઓ અને કેરીપ્રેમીઓમાં આヘર્ય અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું એક બોક્સ (આશરે ૧૦ કિલો) સુદામા ફ્રુટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું. સામાન્ય રીતે કેરીની સીઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ ર્વોમિંગ અને ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે આંબા પર પાંચ મહિના વહેલા કેરી આવી ગઈ છે.
હરાજીની ઘટના ખાસ બની જ્યારે એક બોક્સ કેસર કેરીની હરાજી રૂ. ૧૨,૫૧૦ના ઉંચા ભાવે થઈ. એટલે કે પ્રતિ કિલો કેરીનો ભાવ રૂ. ૧,૨૫૧ રહ્યો, જે ઐતિહાસિક છે. હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ આનંદ વ્યક્ત કરતાં પેંડા વહેંચીને મોઢું મીઠું કરાવ્યું હતું.
કેરીની સીઝન કરતા આ વર્ષે ૫ મહિના વહેલી આવક થઈ છે. દર વર્ષે માર્ચ મહીના પછી યાર્ડમાં કેરીનું આગમન થતુ હોય છે. ૧૦ કિલો કેસર કેરીના બોક્સના ૧૨૫૧૦ રૂપિયા ભાવમાં હરાજી થઈ છે.
શિયાળામાં આંબામાં કેરી આવી હોય તેવી ઘટના બનતા લોકોમાં કુતુહલ જાગ્યું.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
