<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ગૌસેવા એ સર્વોત્તમ પુણ્યકાર્ય છે: શ્રી પ્રથમેશકુમારજી : ભુજ નજીક નિર્માણાધીન ગૌવંશ સેવાધામની મુલાકાતે વૈષ્ણવાચાર્યજી

ગૌ વંશ સેવા ધામ રખડતા ભટકતા અને તેમાં પણ વિશેષ કરીને નંદીઓ માટે જ આકાર લઈ રહ્યું છે, ગૌ સેવા ધામ નિર્માણ થયે પુનઃ સંકુલમાં આવવાનો ભાવ દર્શાવ્યો

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :  રખડતા ભટકતા અને ન ધણીયાતા ગૌ વંશ માટે શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા ભારાપર ખાતે નિર્માણ થઈ રહેલા આશ્રય સ્થાન જીવદયા સંકુલનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને ગૌવંશ સેવા કરવાના સંસ્થાના કાર્યકરોના મનોરથ ભગવાન  અને શ્રી નાથજી બાવા પૂર્ણ કરે તેવો શુભ ભાવ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પ. પૂ. વૈષ્ણવાચાર્ય શ્રી પ્રથમેશકુમારજીએ વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.                             

 એમણે ગૌસેવાને સર્વોત્તમ પુણ્ય કાર્ય ગણાવી ગૌસેવાના કાર્યમાં સહકાર આપનાર દાતાઓને પણ ધન્યવાદ પાઠવ્યા હતા. ભુજ તાલુકાના ભારાપર વડઝર વાંકી તીર્થ માર્ગે નવ નિર્માણ પામી રહેલા ગૌ વંશ સેવાધામ ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી પ્રથમેશકુમારજીએ ખાસ પધારામણી કરી જીવદયા સંકુલમાં નિર્માણ થનાર દરેક માળખાકીય સુવિધાઓ અંગે એન્જીનીયર આનંદ મેપાણી પાસે જાણકારી મેળવી હતી.

  આ ગૌ વંશ સેવા ધામ  રખડતા ભટકતા અને તેમાં  પણ વિશેષ કરીને નંદીઓ માટે જ આકાર લઈ રહ્યું હોવાનું ટ્રસ્ટી મયુર બોરીચાએ જણાવતા પૂ. શ્રી એ વધુ આનંદ સાથે ખુશી અનુભવતા  ગૌ સેવા ધામ નિર્માણ થયે પુનઃ સંકુલમાં આવવાનો ભાવ દર્શાવ્યો હતો.

   ગૌ સેવાધામના સક્રિય સભ્યો વિનોદભાઈ ગાલા, મનસુખભાઇ શાહ, ગૌ પ્રેમી હિમાંશુ તારાચંદ દેઢીયા, કચ્છ જિલ્લા વૈષ્ણવ સમાજના ટ્રસ્ટી અયોધ્યાપ્રસાદ અગ્રવાલ,સંસ્થા શુભેચ્છક જીતેશભાઈ મણિયાર, મુમુક્ષુ મયંકકુમાર, જીજ્ઞાબેન મણિયાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા... ટ્રસ્ટી મીના બોરીચાએ પૂ.પ્રથમેશજી મહોદયને અતિ વ્યસ્તતામાં સમય ફાળવી ગૌવંશ સેવાધામેં પધારી શુભાશીષ પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

(9:31 AM IST)