<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ગોંડલ યાર્ડમાં ૧ લાખ કટ્ટા ડુંગળીની આવકઃ મણના ૧૦૦થી ૫૦૦ રૂપિયા

અન્‍ય રાજયોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવ્‍યાઃ ભરચક આવક થતા ડુંગળીની આવક બંધ કરાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૬: સૌરાષ્‍ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી મોટી આવક થવા પામી હતી. યાર્ડના મેદાનમાં ૨૦૦૦થી વધુ વાહનોના થપ્‍પા લાગી જવા પામ્‍યા હતા. ગત રાત્રીના ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. આજરોજ યાર્ડમાં અંદાજે ૧ લાખ કરતા વધુ કટ્ટાની આવક થવા પામી હતી. યાર્ડ દ્વારા નવી ખરીદ કરાયેલ જમીનમાં ડુંગળીની જણસી ઉતારવામાં આવી હતી. ડુંગળીની હરાજીમાં ૨૦ કિલોના ભાવ રૂ. ૧૦૦ થી રૂ.૫૦૦ સુધીનો ભાવ બોલાયો હતો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું હતું કે રાજસ્‍થાન, કર્ણાટક, ઓરિસ્‍સા, મહારાષ્‍ટ્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. જેને લઈને આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્‍કળ આવક થવા પામી હતી અને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્‍ય જાહેરાત ન કરવામાં આવે ત્‍યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઓની આવક થી ઉભરાતું હોય છે ત્‍યારે આજરોજ સૌરાષ્‍ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્‍દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી પહોંચે છે તેનું એક માત્ર કારણ એ છે કે સૌરાષ્‍ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા એકમાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)

(11:21 AM IST)