<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

જુનાગઢની મહિલા સહિત બે વ્‍યકિતએ જમા થયેલા ફ્રોડના ૩૦.૫૭ લાખ સગેવગે કર્યા

વિસાવદરના જાંબુડાના શખ્‍સે પણ ફ્રોડના ૫૨.૨૭ લાખ ઉપાડી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૬: જુનાગઢના શખ્‍સ, મહિલાએ બેંક ખાતામાં જમા થયેલા ફ્રોડના ૩૦.૫૭ લાખ સગેવગે કર્યા હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં દાતાર રોડ વિસ્‍તારમાં રહેતા કુરેશી અરબાજ ઈકબાલના બેંક ઓફ મહારાષ્‍ટ્ર, કાળવા ચોક શાખા, જુનાગઢના એકાઉન્‍ટમાં લોકો સાથે થયેલા ફ્રોડના રૂપિયા ૧૩,૮૯,૬૪૨ જમા થયા હોવાનું તપાસમાં સામે આવ્‍યું હતું. શખ્‍સે નાણાં પોતાના બેંક ખાતામાંથી ઉપાડી લઈ સગેવગે કર્યાનું ખુલતા ગઈકાલે રાત્રે એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં શખ્‍સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ જ પ્રમાણે જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્‍તારમાં રહેતા પ્રીયા મુકુંદભાઈ રાડીયાના ૩ બેંક ખાતામાં લોકો સાથે થયેલા ફ્રોડના રૂપિયા ૧૬.૬૮ લાખ જમા થયા હતા. પરંતુ આ ખાતા ધારકે રૂપિયા પોતાના બેંક ખાતામાંથી ઉપાડી લઈ સગેવગે કર્યાનો ગઈકાલે રાત્રે સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

આવી જ રીતે વિસાવદર તાલુકાના જાંબુડા ગામના કથીરીયા ભીખુભાઇ વલ્લભભાઇના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનુ જાણતા હોવા છતા અલગ-અલગ માધ્‍યમથી અલગ-અલગ સમયે સાયબર ફ્રોડથી મેળવેલ રૂપિયા ૫૨.૨૭ લાખ પોતાના બેંક ખાતામાંથી ઉપાડી લઈ સગેવગે કર્યાનું ખુલતા ગઈકાલે રાત્રે કથીરીયા ભીખુભાઇ વલ્લભભાઇ સામે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી. 

 

(1:15 PM IST)