News of Tuesday, 16th December 2025
ભારે વિરોધ-વંટોળ બાદ ધ્રોલનાં રેલ્વે સ્ટેશન-હરીપર રસ્તાનું કામ શરૂ
ધારાસભ્ય સહિત આગેવાનોએ લીધી રસ્તાના કામની મુલાકાત : ધ્રોલને ટ્રાફિકના જામમાંથી મુક્તિ : ભાજપના નેતાઓના પ્રયાસોથી તંત્રની સકારાત્મક કામગીરી! : ધારાસભ્ય સહિત અગ્રણી આગેવાનોએ સ્થળ પર જઈ કામગીરીની પ્રગતિનું કર્યું નિરીક્ષણ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ૧૬: ધ્રોલ શહેર અને આસપાસના વિસ્તારોના લાખો લોકોને સતાવતી ટ્રાફિક જામની જટિલ અને ગંભીર સમસ્યાનો આખરે રાહતનો શ્વાસ આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી નગરજનો માટે માથાનો દુખાવો બની ગયેલી આ સમસ્યાનો નિવારણ માટે અકિલા સમાચારપત્ર દ્વારા એક સઘન અને સતત અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના પડઘા તંત્ર સુધી પહોંચ્યા હતા. આ અભિયાનને સ્થાનિક રાજકીય નેતાઓ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પદાધિકારીઓની સક્રિય રજૂઆતોનો મજબૂત ટેકો મળતાં, તંત્રએ આખરે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને તાત્કાલિક ધોરણે ટ્રાફિક હળવો કરવા માટેના વૈકલ્પિક કામ ચલાવ રસ્તાનુ કામ શરૂ કરી દીધું છે.
ધ્રોલ ત્રિકોણથી લતીપર સુધીનો અતિ-વ્યસ્ત માર્ગ ભારે વાહનોના સતત પ્રવાહને કારણે લગભગ કાયમી ધોરણે જામ રહેતો હતો. આ સમસ્યાનું મૂળ કારણ ભાદરાથી જાંબુડા રોડ બંધ થતાં તમામ ટ્રાન્સપોર્ટ અને ભારે વાહનોનું ભારણ શહેરના મુખ્ય માર્ગો પર આવ્યું હતું. પરિણામે, ધ્રોલના મુખ્ય બજારોમાં દૈનિક ધોરણે બબ્બે કિલોમીટર સુધીના લાંબા ટ્રાફિક જામ સર્જાતા હતા.
સ્થાનિકો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની ગઈ હતી. સમયનો બગાડ, ઇંધણનો વ્યય, વેપાર-ધંધામાં માઠી અસર અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગને માનસિક તણાવ ભોગવવો પડતો હતો. આ સમસ્યા દૈનિક જીવનનો એક કડવો ભાગ બની ગઈ હતી.
ધ્રોલના ત્રિકોણથી લતીપર ચોકડી સુધીનો ટ્રાફિક જામ બાબતે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા બિજા રસ્તા માટે સુઝાવ બાદ રસ્તા નું કામ ચાલુ થતાં ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા મુલાકાત લીધી આ મુલાકાત સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા, ધ્રોલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સુરેશજતી, પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, જીલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી આશીષ પરમાર, તુષારભાઈ ભાલોડીયા કોર્પોરેટ ધ્રોલ નગરપાલિકા, સંજયસિંહ જાડેજા, ફિરોઝભાઈ સહિત ભાજપ આગેવાનો મુલાકાત લીધી હતી
‘અકિલા'એ આ ગંભીર જનપીડાને ગણકારતા, તેને વારંવાર પોતાની કલમ દ્વારા ઉજાગર કરી અને તંત્રનું ધ્યાન દોરવાનો અથાક પ્રયાસ કર્યો હતો. આ જનહિતકારી અભિયાનને કારણે સ્થાનિક રાજકીય માહોલમાં પણ ગરમાવો આવ્યો અને લોકોના અવાજને મજબૂત રાજકીય સહયોગ મળ્યો. ધ્રોલ મામલતદાર કચેરી ખાતે રજૂઆત માટે સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ ધ્રોલ શહેર પ્રમુખ હિરેન કોટેચા, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનુભાઇ વાઘેલા, તાલુકા પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, જોડીયા પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસણીયા સહિત અનેક અગ્રણી આગેવાનોએ આ સમસ્યાની ગંભીરતાને ઓળખી લીધી હતી.
ધ્રોલ મામલતદાર કચેરી, ધ્રોલ ડેપ્યુટી કલેકટરની ઓફિસ તેમજ R.n.b અને P.W.D જેવા સંબંધિત વિભાગોમાં વારંવાર અને મક્કમતાપૂર્વક રજૂઆતો કરી, ટ્રાફિક હળવો કરવા માટેના નક્કર સુજાવો પણ આપ્યા હતા. ધ્રોલના ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિત વેપારી એસોસિયેશન દ્વારા પણ ટ્રાફિક જામનો ઉકેલ માત્ર બીજો રોડ બનાવવો જ છે તેવો સુઝાવ રજૂ કરાયો હતો.
‘અકિલા' સમાચારપત્ર, R.n.b, P.W.D અને ધ્રોલ ડેપ્યુટી કલેકટરનો આ જનહિતકારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરે છે. હવે આશા છે કે આ રોડનું કામ ઝડપથી પૂર્ણ થશે અને ધ્રોલના રસ્તાઓ ફરીથી સુગમ અને પ્રવાહિત બનશે
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
