News of Tuesday, 16th December 2025
પોરબંદરના ગોસા ગામે ફાયરિંગમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: પોલીસે આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી લીધો
પૂછપરછ દરમિયાન આરોપી કાસમે તેની કબ્જાની જામગરી બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપી

પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં મૃતક ભરતભાઈ ઓડેદરાના ભાઈ કાનભાઈએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, ગોસા ગામે ગત તા. 10 ડિસેમ્બરના રોજ મૃતક ભરતભાઈ અને તેમના ખેતરના મજુર સુનિલભાઈ ખેતરનું કામ પૂરું કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ત્યારે ભરતભાઈ ટ્રેક્ટર ચલાવતા હતા. એ સમયે ફટાકડા ફૂટવા જેવો કોઈ અવાજ આવ્યો હતો ત્યાર બાદ ભરતભાઈએ ટ્રેક્ટર ઉભું રાખી દીધું હતું અને ચીસો પાડવા લાગ્યા હતાં. જેથી સુનિલભાઈએ ભરતભાઇના ભાઈ કાનભાઈને ફોન કરી બોલાવતા તેઓ આવી પહોંચ્યા હતા જ્યાંથી ઈજાગ્રસ્ત ભરતભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા અને તેમનું પી.એમ. કરાવતા સાથળના ભાગેથી દેશી બનાવટની બંદૂકનો છરો નીકળતા ભરતભાઈની હત્યા થઈ હોવાની પુષ્ટિ થઇ હતી. આ બનાવ અંગે મૃતક ભરતભાઇના ભાઈ કાનાભાઇ ઓર્ડેદરાએ નવીબંદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 103 અને જી.પી. એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા બંદૂક ચાલકની વધુ તપાસ હાથ ધરી હતી.
પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ગામ લોકોએ રખોલુ કરવા કાસમ ખારી અને સાજણ ખારી નામના બે શખ્સોને 90 હજાર આપી રાખ્યા હતા. અને આ ઘટના બાદ બનેં શખ્સો ગામમાંથી રાતોરાત ગાયબ થઈ ગયા હતા જેથી શંકાના આધારે પોલીસે આ બંને વિરુદ્ધ વધુ શોધખોળ હાથ ધરતા પોલીસને કાસમ ખારી સુરેન્દ્રનગર હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર જઈ વધુ તપાસ કરતા કાસમ મળી આવ્યો હતો જેથી તેને લઇ પોરબંદર લઇ આવવામાં આવ્યો હતો.
અહીં પૂછપરછ દરમિયાન આરોપી કાસમે તેની કબ્જાની જામગરી બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીની ધરપકડ કરી નવીબંદર પોલીસને વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે હત્યાનું કારણ હજુ સ્પષ્ટ ખ્યાલ સામે આવ્યો નથી નવીબંદર પોલીસ આજે એક આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે બાદ કારણ બહાર આવે તેવી શક્યતા છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
