News of Wednesday, 17th December 2025
વિરમગામની મનિષાબેને તેના ભાભી વંદનાબેન સાથે ખોરાણામાં માતાના ઘરે ફિનાઇલ પીધું
રાજકોટના ખોરાણામાં રહેતાં માતા અને તેની સાથે રહેતી મહિલા ખોટી રીતે પોલીસમાં અરજીઓ કરી હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૭: અમદાવાદ જીલ્લાના વીરમગામમાં રહેતી મનિષાબેન વિજયભાઇ ચાવડા (ઉ.વ.૩૫) અને હાલ અમદાવાદ માવતરે રહેતી તેણીની ભાભી વંદનાબેન સુનિલભાઇ સોલંકી (ઉ.વ.૩૨)એ રાજકોટના ખોરાણા ગામે મનિષાબેનના માતા નંદાબેન ઉમેશભાઇ સોલંકીના ઘરે સાંજે ફિનાઇલ પી લેતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
મનિષાબેને જણાવ્યું હતું કે મારા લગ્ન પંદર વર્ષ પહેલા થયા છે. વિરમગામમાં મારા પતિ પ્રાઇવેટ નોકરી કરે છે અને મારે સંતાનમાં બે પુત્ર છે. મારા ભાભી વંદનાબેન હાલ અમદાવાદ માવતરે રહે છે, તેના પતિ સુનિલ સોલંકી મર્ડર કેસમાં જેલમાં છે. રાજકોટના ખોરાણા ગામે મારા માતા નંદાબેન સોલંકી વિધવા હોઇ એકલા રહે છે. મારા પિતાએ અગાઉ આપઘાત કર્યો હતો. હાલ મારા માતા સાથે વિરમગામની એક મહિલા પણ રહે છે. તેની ચઢામણીથી કે કોઇપણ કારણોસર મારા માતા અને આ મહિલા રાજકોટ કુવાડવા પોલીસમાં તેમજ વિરમગામમાં મારા તથા મારા ભાભી સહિતની વિરૂધ્ધ ખોટી અરજીઓ કર્યા રાખે છે.
આવી જ એક અરજી કુવાડવા પોલીસમાં કરતાં પોલીસે અમને બોલાવ્યા હતાં અને જામીન લેવાનું કહ્યું હતું. પરંતુ અમે અમારા વિરૂધ્ધ ખોટી અરજી થઇ હોવાની રજૂઆત કરી હતી અને બાદમાં હું અને મારા ભાભી વંદનાબેન સહિતના મારા માતાને સમજાવવા ખોરાણા તેના ઘરે ગયા હતાં. ત્યારે તે ફરી ઝઘડો કરી પોલીસ સ્ટેશને જવા નીકળતાં અમે કંટાળીને ફિનાઇલ પીધું હતું. તેમ વધુમાં મનિષાબેને કહેતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
