News of Wednesday, 17th December 2025
થાનગઢના ભડુલા ગામે મામલતદારની ટીમ ઉપર હૂમલોઃ સરકારી વાહનને આડે બૂલેટ નાખી રોકી ધોકા માર્યાઃ ૬ ખનીજ માફિયા ફરારઃ આરોપીના ગેરકાયદે બાંધકામ અને ફાર્મ ઉપર બૂલડોઝર ફેરવતું તંત્ર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ મુળી સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન થતી ખનીજ ચોરી અટકે તે માટે ઙ્કાંત અધિકારીની ટીમ દ્વારા ટીમો બનાવી અને રાત્રી દરમિયાન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ચેકિંગ દરમિયાન થાન માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા તરુણ દવે તેમજ તેમની ટીમ ચેકિંગમાં ગઈ હતી ત્યારે તેમની ઉપર હુમલા ની ઘટના સામે આવી હતી.
ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમાર દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાનો પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું હતું ત્યારે આ સંદર્ભે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ ખનીજ માફિયાઓ છે તે હુમલો કરવા માટે વારંવાર ટેવાયેલા હોવાનો તપાસના અંતે ધડાકો થયો છે ત્યારે તેમના દ્વારા ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભા કરી નાખવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર બાંધકામો ઉભા કરી નાખવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા નાયબ મામલતદારની સરકારી ગાડીની આગળ બુલેટ નાખી અને ત્યારબાદ ગાડી રોકવામાં આવી હતી અને ઝપાઝપી કરી અને સરકારી ગાડી ઉપર ધોકા જેવા શષા વડે હુમલો કરવામાં આવ્યો હતો.
એક બાજુ રાત્રિ દરમિયાન બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે હવે દરોડા પાડવા જતી ટીમો ઉપર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખનીજ માફિયાઓ હદ વટાવી રહ્યા છે ત્યારે હવે તંત્રની ટીમો માં પોલીસ વિભાગ અને વહીવટી તંત્રની ટીમ કામે લાગી અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જોકે હુમલાખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેની શોધખોળ માટે પણ સુરેન્દ્રનગર પોલીસે ટીમો કામે લગાવી અને આ ખનીજ માફિયાઓને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી છે..
થાનગઢના ભડુલા ગામે ગઈકાલે જમીન માપણીની કામગીરી માટે ગયેલી મામલતદારની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.
મામલતદારની ટીમ પર હુમલો કરનાર મુખ્ય આરોપીઓ ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, અને રવિ ઉગા પરમાર સામે ગુનો નોંધીને તેમની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વહીવટી તંત્રએ આ ભૂ-માફિયાઓના ગેરકાયદેસર બાંધકામોને નિશાન બનાવ્યા હતા.
જેમાં ભરત અલગોતર અને જયપાલ અલગોતરના બાંધકામો તેમજ રવિ પરમારના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.
થાનગઢના ભડુલા ગામે આવેલું વ્રજ ફાર્મ પણ તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જે ભૂ-માફિયાઓની મિલકત હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, તેમના બે જેટલા વેબ્રિજ અને મકાનો પણ તોડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ચોટીલાના ડેપ્યુટી કલેકટર, મામલતદાર તેમજ પોલીસ સ્ટાફની મોટી સંખ્યામાં હાજરીમાં આ ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવળત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
થાનગઢમાં ૧૫ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે કેટલાક શખ્સો દ્વારા મામલતદારની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. થાનગઢના નાયબ મામલતદાર તરુણ દવે, ડ્રાઈવર જયેશ આલ અને ઓપરેટર સાગર પરમાર સરકારી ગાડીમાં ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવળત્તિઓ અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન ભરત અલગોતર, જયપાલ અલગોતર અને રવિ પરમાર (રહે. ભોંયરેશ્વર સોસાયટી, થાનગઢ) સહિત ત્રણ અજાણ્યા ઈસમોએ નાયબ મામલતદારની ગાડીનો પીછો કર્યો હતો. રૂપાવટી રોડ પર આવેલા વ્રજ ફાર્મ પાસે ગાડીને ઉભી રખાવી ડ્રાઈવર જયેશને અપશબ્દો બોલી બે-ત્રણ લાફા માર્યા હતા. હુમલાખોરોએ બોલેરો કારની નંબર પ્લેટ તોડી નાખી હતી.
તેમણે સરકારી ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસર ખનનમાં વપરાતા વાહનો લઈને નાસી છૂટયા હતા.
આ ઘટના બાદ નાયબ મામલતદાર અને થાનગઢ મામલતદાર દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશનમાં ૩ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ હુમલાના પગલે ૧૬ ડિસેમ્બરના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાની આગેવાની હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. થાનગઢ, ચોટીલા અને મુળીના મામલતદારની સંયુક્ત ટીમે હુમલાખોરો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
