News of Wednesday, 17th December 2025
સાવરકુંડલામાં મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ
તંત્રના વાંકે રોગચાળાનો ભયઃરોડ પર ગંદુ પાણી ભરાતા દુકાનદારોની ઘરાકીમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. લોકો આ રોડ પર નીકળવાનું ટાળી રહ્યા છે

સાવરકુંડલા : ગુજરાતના આ શહેરમાં વેપાર કરવો હોય તો મોઢે રૃમાલ બાંધવો ફરજિયાત છે. નગરપાલિકાએ એટલો વિકાસ કર્યો છે કે ગટરના પાણી સાક્ષાત રોડ પર દર્શન આપી રહ્યા છે. લોકો તેમજ વેપારીઓ એટલી હદે ત્રાસી ગયા છે કે મોઢા પર રૃમાલ પહેરી નીકળવું પડે તેવી નોબત આવીને ઊભી છે. વિકાસની ડીંગો હાંકતી સાવરકુંડલા નગરપાલિકાની આ દેણ છે. લોકોએ વિકાસને વોટ આપ્યો હતો પણ અહીં તો નગરપાલિકા શાસકો સત્તાના મદમાં એટલા તલ્લીન છે કે વિકાસનું ફિડલું વાળી ગજવા મૂકી દીધું છે. બસ લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓને આંખ આડા કાન કરી જોઈ રહ્યા છે પણ નિવેડો લાવવા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અમરેલીના સાવરકુંડલાના હૃદય સમાન જેસર રોડ વિસ્તારમાં ઉભરતા ગટરના પાણીથી વેપારી અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો છે. ગમે ત્યારે વિસ્તાર રોગચાળાની ચપેટમાં આવી શકે છે. હદ તો ત્યારે થાય છે કે વોર્ડ નંબર ૮ના ભાજપ મહિલા સદસ્યના ઘર સામે જ ગટર રોજ ઉભરાઇ રહી છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી, કદાચ કારમાં ફરતા નગરપાલિકાના શાસકોને લોકોની પરેશાની નહીં દેખાતી હોય, હાલ તો જેસર રોડ પર આવેલા વેપારીઓની મનોદશા એવી થઈ ગઈ છે કે વેપાર કરવો કે ગટરની ગંધનો સામનો કરવો, બચવા માટે મોઢા પર રૃમાલ બાંધી વેપારી વેપાર કરવા મજબૂર છે. રોડ પર ગંદુ પાણી ભરાતા દુકાનદારોની ઘરાકીમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. લોકો આ રોડ પર નીકળવાનું ટાળી રહ્યા છે.
ચીરાગ હીરપરા નામના સ્થાનિકે બળાપો ઠાલવતાં કહ્યું કે ' આ કોઈ વરસાદના પાણી નથી, ગટરના પાણી છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે વેપારીઓ મોઢે રૃમાલ બાંધીને વેપાર કરે છે, પણ નગરપાલિકા કોઈ જ કામ કરતી નથી, ગટરના કચરાના અનેક પ્રશ્ન છે, લોકોને આ બધુ કોઠે પાડી દીધું છે. કોઈ જ નિરાકરણ આવતું નથી, અનેક રજૂઆતો છતાં આ પ્રશ્ન ઠેર ને ઠેર જ છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
