તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
પડધરીના સરપદડમાં દૂકાન બાદ હવે ઘરના ડિમોલીશનની નોટીસ મળતાં દંપતિએ ઝેર પીધું
દૂકાન તોડી પડાતાં પાંચ લાખની નુકસાની આવીઃ હવે ફરી નોટીસ આપી હેરાન કરવામાં આવતાં હોવાનો આક્ષેપ : બસ સ્ટેશન પાસે ચાની હોટલ ચલાવતાં રાજેશભાઇ સનુરા અને પત્નિ દક્ષાબેન સનુરા રાજકોટ સારવાર હેઠળ : ચિઠ્ઠીમાં તંત્રવાહકો વિરૂધ્ધ આક્ષેપોઃ સાત જણાના નામ : કોળી સમાજ ન્યાય અપાવે તેવી વિનંતી પણ કરી

રાજકોટ તા. ૧૮: પડધરીના સરપરદડ ગામે રહેતાં રાજેશભાઇ છગનભાઇ સનુરા (ઉ.વ.૪૩) અને તેના પત્નિ દક્ષાબેન રાજેશભાઇ સનુરા (ઉ.વ.૪૨)એ રાતે દસેક વાગ્યે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. દંપતિએ આક્ષેપ કર્યો હતો કે ગામના બસ સ્ટેશન પાસે આવેલી તેની ચાની હોટેલ-દુકાનનું અગાઉ ડિમોલીશન કરાવી પડાવી નખાઇ હતી. હવે ફરીથી તેના સહિત બીજા લોકોએ દૂકાનો-હોટલ ચાલુ કર્યા છે. પણ તેમાંથી માત્ર તેમને જ તંત્ર તરફથી નોટીસ મળે છે અને હોટલ બંધ કરી દેવાનું કહેવાય છે. આ ઉપરાંત હવે ઘર પણ પાડી નાખવાનું છે તેવી નોટીસ અપાય છે અને તંત્રવાહકો ઘરે પહોંચી જાય છે. હેરાનગતિને લીધે આ પગલુ ભર્યુ હતું. ચિઠ્ઠીમાં પણ તંત્રવાહકો સામે આક્ષેપો કરાયા છે.
વધુ માહિતી મુજબ રાજેશભાઇ સનુરા બે ભાઇ અને એક બહેનમાં બીજા છે. તેમને સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. હોસ્પિટલના બિછાનેથી રાજેશભાઇએ કહ્યું હતું કે સરપદડ ગામના બસ સ્ટેશન પાસે મારે વર્ષોથી ચાની હોટલ હતી. જે અગાઉ પાડી નખાઇ છે. ડિમોલીશનમાં કુલ બોંતેર દુકાનો-છાપરા-હોટલો પાડી નખાયા હતાં. જેને કારણે મારે પાંચ લાખની નુકસાની ગઇ હતી અને હું દેણામાં આવી ગયો છું. હવે ફરીથી બધાએ એ જ સ્થળે દૂકાનો-થડા ચાલુ કરી દેતાં મેં પણ મારી જગ્યાએ હોટલ ચાલુ કરી છે. પરંતુ માત્ર મને એકને જ હવે તંત્રવાહકો નોટીસ આપે છે અને ચાની હોટલ બંધ કરી દેવાનું કહે છે. આ ઉપરાંત હવે તો મારા ઘરે પણ તંત્રવાહકો ગાડીઓ લઇને આવે છે અને કહે છે કે જો તમે ચાલુ કરેલી દૂકાન-હોટલ બંધ નહિ કરો તો તમારા ઘરનું પણ ડિમોલીશન થઇ જશે.
રાજેશભાઇએ આગળ કહ્યું હતું કે એક તરફ મારો ધંધો રોજગાર છીનવાઇ ગયા છે અને પાંચેક લાખનું દેણું થઇ ગયું છે ત્યારે બીજા ધંધાર્થીઓની સાથે મેં પણ ફરીથી ધંધો ચાલુ કર્યો છે. પરંતુ કોઇપણ કારણોસર માત્ર મને જ ટારગેટ બનાવી હેરાન કરાય છે. આ કારણે કંટાળીને મેં અને મારા પત્નિએ મરી જવા માટે ઝેરી દવા પી લીધી હતી.
રાજેશભાઇએ અને તેના પત્નિએ ઝેર પીધા પહેલા એક ચિઠ્ઠી લખી છે. જેમાં તંત્રવાહકો વિરૂધ્ધ આક્ષેપો છે. સાતેક લોકોના નામ ચિઠ્ઠીમાં લખ્યા છે. આ બધાના ત્રાસથી પોતે પગલુ ભરી રહ્યા છે, અમારા છોકરાઓને ન્યાય અપાવજો કોળી સમાજ. તેવુ લખાણ કર્યુ છે અને સરપદડમાં ૭૦ ટકા મકાનો ખરાબામાં હોવાનું તેમજ ગોૈચરની જગ્યામાં પણ દબાણો હોવાનું ચિઠ્ઠીમાં લખ્યું છે. હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, શક્તિસિંહ સહિતે પડધરી પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
