<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

લીંબડી પાસેથી ઇંડા મુકવાની પ્‍લેટની આડમાં ૩૯.૪૯ લાખનો દારૂ જપ્‍ત

પાણશીણા પોલીસે ટ્રક સહિત રૂા.૫૪.૪૯ લાખનો મુદામાલ જપ્‍ત કર્યોઃ આરોપીઓ સામે ગુન્‍હો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: પાણશીણા પોલીસે અમદાવાદ-લીંબડી નેશનલ હાઈવે પર ટોકરાળા ગામના બ્રિજ નજીકથી એક ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્‍થો ઝડપી પાડ્‍યો છે. ઇંડા મૂકવાના પૂંઠાની પ્‍લેટની આડમાં છુપાવેલો આ દારૂ-બિયરનો જથ્‍થો અને ટ્રક સહિત કુલ રૂ. ૫૪.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટ્રક (રજી. નંબર એચઆર-૬૬-બી-૩૧૯૬) ઇંડાના પૂંઠાની આડમાં પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ દારૂ અને બિયરનો જથ્‍થો લઈને પાણશીણા ચેકપોસ્‍ટ પાસેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસ સ્‍ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન, ટાટા કંપનીના બંધ બોડીના ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો દારૂ-બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેમાં ૭૫૦ એમએલની ૫૪૦ શીલબંધ બોટલો (કિંમત રૂ. ૫,૯૪,૦૦૦), ૧૮૦ એમએલના ૧૦,૭૫૨ શીલબંધ ચપલા (કિંમત રૂ. ૩૧,૪૪,૦૦૦) અને ૯૬૦ બિયર ટીન (કિંમત રૂ. ૨,૧૧,૨૦૦) નો સમાવેશ થાય છે. દારૂ-બિયરની કુલ કિંમત રૂ. ૩૯,૪૯,૨૦૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. ૧૫,૦૦,૦૦૦ની કિંમતનો ટ્રક અને આશરે ૪૦૦ થી ૫૦૦ ઇંડા મૂકવાના પૂંઠાની પ્‍લેટો પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ રૂ. ૫૪,૪૯,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો છે.

આ મામલે ટ્રકના ડ્રાઈવર, માલ ભરી આપનાર અને માલ મંગાવનાર સહિતના આરોપીઓ વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી પાણશીણા પોલીસ સ્‍ટેશનના ઇ.પોલીસ ઇન્‍સ. શ્રી કે.ડી. જાદવ, એચસી ઇન્‍દ્રજીતસિંહ વશરામભાઇ રાઠોડ અને એચસી ભવાનભાઈ પ્રભુભાઇ બળોલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી

 

 

(1:32 PM IST)