News of Saturday, 20th December 2025
કચ્છમાં ૨ લાખ ૧૪ હજાર મતદારોના નામ કમી: નવા ૬૫ હજારનું મેપિંગ, ૫૫ હજારનું અવસાન, ૧૯ હજાર ગેરહાજર, ૧૨ હજારના નામ બે જગ્યાએ, ૧.૨૫ લાખનું સ્થળાંતર
કુલ ૧૬ લાખ ૯૦ હજાર ૫૮૪ મતદારો હતા જે SIR પછી ઘટીને ૧૪ લાખ ૭૬ હજાર ૬૦૯ થયા, મેપિંગની ખરાઈ બાદ ૬૫ હજાર પૈકી નવાનો આખરી યાદીમાં ઉમેરો થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર શરૂ કરાયેલ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલ દ્વારા નવી ડ્રાફ્ટ યાદી જાહેર કરાયેલ છે. ૨૦૨૫ ની છેલ્લી યાદી મુજબ કચ્છના ૬ વિધાનસભા વિસ્તારમાં ૧૬ લાખ ૯૦ હજાર ૫૮૪ મતદારો નોંધાયેલા હતા. હવે SIR ની પ્રક્રિયા બાદ નવી પ્રસિદ્ધ કરાયેલ ડ્રાફ્ટ યાદી મુજબ ૧૪ લાખ ૭૬ હજાર ૪૦૯ મતદારો નોંધાયેલ છે. એટલે કે સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કારણોસર ૨ લાખ ૧૪ હજાર ૧૭૫ નામો દૂર કરાયા છે. ચૂંટણી પંચની મતદાન મથકો માટેની પ્રત્યેક મતદાન મથક દીઠ ૧૨૦૦ થી વધુ મતદારો ન રહે એવી સૂચના અન્વયે હવે કચ્છમાં મતદાન મથકોની સંખ્યા ૧૮૪૮ ઉપરથી વધીને ૨૦૧૨ થઈ છે. હવે ૬૫ હજાર નવા મતદારો કે જેમના નામ ૨૦૦૨ ની યાદીમાં નહોતા તેમ જ તેમના માતા પિતા કે દાદા દાદીના નામ પણ ૨૦૦૨ ની મતદાર યાદીમાં નહોતા તેમનું દસ્તાવેજો ચકાસી મેપિંગ કરાશે અને બાદમાં તેમના નામનો આખરી મતદાર યાદીમાં સમાવેશ થશે. અન્ય આંકડાકીય માહિતી જોઈએ તો ૧.૨૫ લાખ મતદારોએ સ્થળાંતર કર્યું છે, ૫૫ હજારનું અવસાન થયું છે, ૧૮ હજાર ગેરહાજર જોવા મળ્યા છે જ્યારે ૧૨ હજારના નામ બે મતદાર યાદીમાં સામેલ છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
