<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ડીઆરઆઈએ મુન્‍દ્રામાં ૧૨ કરોડની વિદેશી સિગારેટની દાણચોરી ઝડપી

મુન્‍દ્રા પોર્ટથી કોલકત્તાના ફાલ્‍ટા સેઝ સુધી ફેલાયેલું કૌભાંડઃ ગાંધીધામનો પરવેઝ કાદરી માસ્‍ટર માઈન્‍ડ, આયાત નિકાસના ખેલ હેઠળ ભારતીય બજારમાં વેંચાણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: કેન્‍દ્ર સરકારની આયાત નિકાસની ઉદાર નીતિનો ગેરલાભ લઈ દાણચોરી દ્વારા દેશની તિજોરીને કરોડો રૂપિયાનો ધુંબો મારનાર ગદ્દારો તેમ જ તેમાં સંડોવાયેલા સરકારી કર્મીઓ અને અન્‍યો વિરુદ્ધ એક સામટી વિવિધ એજન્‍સીઓની તપાસ બેસાડી આકરી કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરત છે. ગાંધીધામ ડીઆરઆઈએ મુન્‍દ્રા પોર્ટ થી કોલકત્તાના ફાલ્‍ટા સ્‍પેશિયલ ઇકોનોમિક સેઝ સુધી ફેલાયેલા સિગારેટની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ દાણચોરી કૌભાંડમાં કચ્‍છના ગાંધીધામના ઈમ્‍પોર્ટર અને એક્‍સપોર્ટર પરવેઝ કાદરીએ મલેશિયાથી વિવિધ કંપનીઓની ૧૨ કરોડ રૂપિયાની કિંમત સાથેની ૬૦ લાખ વિદેશી સિગારેટની સ્‍ટીક મુન્‍દ્રા પોર્ટ ઉપર આયાત કરી હતી. આ સિગારેટ ફરી કોલકતાના ફાલ્‍ટા સેઝ લઈ જઈ ત્‍યાંથી વિદેશ નિકાસ કરવાની યોજના હેઠળ માલ મંગાવાયો હતો જેથી ૧૧૦ ટકા કસ્‍ટમ ડ્‍યુટી બચી જાય. આ કૌભાંડમાં આયાત કરાયેલ માલ નિકાસ કરવાને બદલે ભારતીય બજારમાં વેંચી દઈ મોટી રકમની કસ્‍ટમ ડ્‍યુટીની ચોરી કરાઈ હતી. વિદેશી સિગારેટની જગ્‍યાએ ભારતીય સિગારેટ કોલકતાથી નિકાસ કરવાનું ષડયંત્ર હતું. આમ, સરકારની આંખમાં ધૂળ ઝોંકી દાણચોરી કરવાનું ષડયંત્ર ઘડાયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ ૫ કરોડ ઉપરની કસ્‍ટમ ડ્‍યુટી ચોરી ઝડપાઈ છે જે વધુ તપાસમાં નવા કડાકા ભડકા થઈ શકે છે. પરવેઝ કાદરી ડીઆરઆઈ ને લાંબા સમયથી હાથતાળી આપતો હતો. જો કે, જાણકારોનું માનીએ તો પોર્ટ ઉપર થતા દાણચોરી કૌભાંડમાં કસ્‍ટમ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની જો તપાસ કરાય તો સુરક્ષામાં રહેલા મોટા છીંડા બહાર આવે

(10:37 AM IST)