News of Saturday, 20th December 2025
મોરબી જિલ્લામાં અનમેપ ૪૮,૪૮૩ મતદારોને નોટિસ આપવાનું શરૂ
ત્રણ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ ૮.૫૦ લાખ પૈકી ૬૮૨૭૮ મતદારોના નામ રદઃ તા.૧૮ જાન્યુઆરી સુધી હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ કરી શકાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબ, તા.૨૦: મોરબી સહિત રાજ્યભરમાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝનની કામગીરીમાં એન્યુમરેશન ફોર્મ વિતરણ, ડિજિટાઈઝેશન અને મેપિંગની કાર્યવાહી પૂર્ણ થતા શુક્રવારે તા. ૧૯ના રોજ sir બાદ સુધારેલ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. સાથે જ નવી મતદાર યાદીમાં સમવાયેલ ૪૮,૪૮૩ મતદારોનું મેપિંગ થયું ન હોવાથી આવા તમામ મતદારોને આજથી જ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નોટિસ પાઠવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી તા.૧૮ જાન્યુઆરી સુધીમાં આવા મતદારોએ પોતાના ઓળખના પુરાવા રજૂ કરવા પડશે અન્યથા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ સમયે આવા અનમેપ મતદારોના નામ રદ કરી નાખવામાં આવશે.
વધુમાં મોરબી જિલ્લામાં SIR બાદ તૈયાર થયેલ મતદાર યાદીની શુક્રવારપ્રાથમિક પ્રિસિધ્ધિ કરવામાં આવી છે જેમાં આ તમામ અનમેપ કેટેગરીમાં સામે આવેલ ૪૮,૪૮૩ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ આવા અનમેપ મતદારોને આજથી જ તેમની ઓળખના પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારી સમક્ષ હાજર રહેવા નોટિસ આપવાનું શરૂ કરાયું છે. જો આગામી તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં અનમેપ મતદારો પોતાની ઓળખ સ્થાપિત નહીં કરી શકે તો આગામી ૧૭ ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદારયાદીમાંથી અનમેપ મતદારોના નામ કમી થઈ જશે.
જે મતદારો સ્થળાંતર થઇને આવેલ છે અથવા પોતાની વિગતમાં સુધારો કરાવવા ઇચ્છતા હોઇ, EPIC કાર્ડ બદલવા માંગતા હોઈ અને PWD ર્માકિંગ કરાવવા માંગતા હોઈ તેવા મતદારો સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે તા.૧૯/૧૨/૨૦૨પ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધીમાં ફોર્મ-૮ જમા ભરી શકશે.
મતદારો ઉક્ત સ્થળો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદારયાદીમાં પોતાનુ નામ જોઇ શકશે. ફોટા વગરની ડ્રાફ્ટ મતદારયાદી CEO કચેરી, ગુજરાત ની ceo.gujarat.gov.in વેબ-સાઇટ જોઇ શકાશે. મુસદ્દા મતદારયાદી (Draft Electoral Roll) અન્વયે તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધીમાં હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે રજુ કરી શકશે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
