<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જામનગર ગ્રામ્‍યના ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલના AI જનરેટેડ વિકૃત ફોટા વાયરલ : સાયબર ક્રાઇમમાં ગુન્‍હો.

આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ : ‘વિશાલ કણસાગરા' નામના એકાઉન્‍ટ ધારક સામે પોલીસ ફરિયાદ : સોશિયલ મીડિયા પર ધારાસભ્‍યની પ્રતિષ્‍ઠા ખરડવાનું કાવતરું : ભારતીય ન્‍યાય સંહિતા અને IT એક્‍ટ હેઠળ કાર્યવાહી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૨: જામનગર ગ્રામ્‍યના ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલને બદનામ કરવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ)નો ઉપયોગ કરી ફોટા અને વીડિયો સાથે ચેડાં કરવામાં આવ્‍યા છે. ‘વિશાલ કણસાગરા નામના ફેસબુક અને ઇન્‍સ્‍ટાગ્રામ આઈડી પરથી આ વાંધાજનક પોસ્‍ટ વાયરલ કરાઈ હતી.

આરોપીઓનો ઈરાદો ધારાસભ્‍ય પાસેથી નાણાં પડાવવાનો અને સમાજમાં શાંતિ ડહોળવાનો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે BNS ૨૦૨૩ અને AI એક્‍ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજકારણમાં અને જાહેર જીવનમાં પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓને બદનામ કરવા માટે હવે સાયબર ગઠિયાઓ આધુનિક ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. આવો જ એક ગંભીર કિસ્‍સો જામનગરમાં પ્રકાશમાં આવ્‍યો છે, જ્‍યાં જામનગર ગ્રામ્‍યના ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલના ફોટા સાથે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI)ની મદદથી ચેડાં કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર ગ્રામ્‍યના ૬૭ વર્ષીય ધારાસભ્‍ય રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તારીખ ૩૦ નવેમ્‍બર ૨૦૨૫ના રોજ ‘વિશાલ કણસાગરા નામના ફેસબુક આઈડી અને ‘v.kansagara77' નામના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પરથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા ફોટા અને વીડિયો અપલોડ કરવામાં આવ્‍યા હતા. કોઈ અજાણ્‍યા શખ્‍સોએ ધારાસભ્‍યના ઓરિજિનલ ફોટા મેળવી, તેને AI ટૂલ્‍સની મદદથી એડિટ કરી અત્‍યંત વિકળત અને બિભત્‍સ બનાવ્‍યા હતા. એટલું જ નહીં, આ પોસ્‍ટ સાથે ઉશ્‍કેરણીજનક અને બદનક્ષીભર્યા લખાણો પણ લખવામાં આવ્‍યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે કે, આરોપીઓએ માત્ર સસ્‍તી પ્રસિદ્ધિ મેળવવા માટે જ નહીં, પરંતુ ધારાસભ્‍યને બ્‍લેકમેલ કરી તેમની પાસેથી આર્થિક લાભ મેળવવાના બદઈરાદાથી આ કાવતરું ઘડ્‍યું હતું.

આ પ્રકારના ખોટા ઇલેક્‍ટ્રોનિક રેકોર્ડ ઊભા કરી તેને વાયરલ કરવા પાછળ શું હેતુ હતો તેની તપાસ થઈ રહી છે.

આ સંવેદનશીલ મામલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પી.આઈ. આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્‍વરિત કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ભારતીય ન્‍યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૪), ૩૫૨, ૩૫૬ તથા ઇન્‍ફર્મેશન ટેકનોલોજી (IT) એક્‍ટની કલમ ૬૬(સી) મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. બી.એ. જાડેજા ચલાવી રહ્યા છે અને ટેકનિકલ સર્વેલન્‍સના આધારે સોશિયલ મીડિયા એકાઉન્‍ટ ચલાવનાર શખ્‍સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

(1:48 PM IST)