News of Tuesday, 23rd December 2025
જામનગર LCBની મોટી સફળતાઃ જોડીયા પંથકમાં ઘેટા-બકરા ચોરતી આંતરજિલ્લા ગેંગનો એક સાગરીત ઝડપાયો

(મુકુંદ બદિયાણી-સંજય ડાંગર દ્વારા) જામનગર-ધ્રોલ, તા.૨૩: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના માવનુગામ તથા અંબાલા ગામે પશુપાલકોના વાડામાંથી ઘેટા-બકરાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે નડિયાદની આ ગેંગના એક સાગરીતને દબોચી લીધો છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ વિગતો અનુસાર જોડીયા તાલુકામાં ભરવાડના વાડામાંથી પશુઓની ચોરી થવાની ફરિયાદ ઉઠી હતી. આ ગુનાઓના ઉકેલ માટે જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી. દરમિયાન, એલ.સી.બી. સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા અને કિશોરભાઇ પરમારને બાતમી મળી હતી કે પશુચોરીમાં સંડોવાયેલ ગેંગનો એક સભ્ય કેશીયાગામના પાટીયા પાસે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કિશોરભાઇ મનુભાઇ તળપદા (ઉ.વ.૩૭, રહે. નળીયાદ, જી. ખેડા) ને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મોટા ગુનાઓ કલમ ૩૦૩(૨) મુજબ ને અંજામ આપ્યો હતો. પકડાયેલ આરોપી કિશોર તળપદા રીઢો ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું છે. તેની સામે અગાઉ હિંમતનગર રૂરલ, વડોદરા શહેરના વરાછા, બાબરા અને પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ નોંધાયેલા છે.
આ કેસમાં પોલીસે નડિયાદ અને માતરના અન્ય ચાર સાગરીતો જેમાં પરસોતમભાઇ પુંજાભાઇ તળપદા, નિઝામુદીન મયુદિન શેખ, ગોપાલ ઉર્ફે ગટી તળપદા અને ઠાકોરભાઇ રયજીભાઈ તળપદાને પકડવાના બાકી જાહેર કર્યા છે. પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જોડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા, પી.એસ.આઈ. પી.એન. મોરી સહિત સમગ્ર સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર અને અન્ય જવાનો જોડાયા હતા
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
