<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય વિરુદ્ધ સોશ્યલ મિડીયામાં અપપ્રચાર યથાવત : ફરીયાદ નોંધાયા પછી પણ નવો વિડીયો અપલોડ થતા સનસનાટી

ફરીયાદ નોંધાયા પછી પણ રાઘવજીભાઇ પટેલને સંબોધતો અને તેમનો દુષ્પ્રચાર કરતો એઆઇ વિડીયો સોશ્યલ મિડીયા પર વહેતો થતા પોલીસ તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય તથા ગુજરાત સરકારનાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ વિરુદ્ધ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર દુષ્પ્રચારનો સિલસિલો ચાલી રહ્યો છે એ પોલીસ ફરીયાદ નોંધાવ્યા પછી પણ અટક્યો નથી.

 

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ વિરૂદ્ધ વિશાલ કણસાગરા નામનાં આઇડી પરથી આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલેકે એઆઇ નો ઉપયોગ કરી સોશ્યલ મિડીયામાં  દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હોવા અંગે સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાયા પછી પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં.

દરમ્યાન આ પ્રકરણમાં ફરીયાદ નોંધાયા પછી પણ રાઘવજીભાઇ પટેલને સંબોધતો અને તેમનો દુષ્પ્રચાર કરતો એઆઇ વિડીયો સોશ્યલ મિડીયા પર વહેતો થતા સનસનાટી મચી ગઇ છે. જે આઇડી વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ છે એ જ આઇડી પર આ નવો વિડીયો આવ્યો છે અને તેમાં મોટા ઇટાળા ગામ, દૂધ મંડળી, રાજકોટ ફાયનાન્સ પેઢી વગેરેનાં સંદર્ભો વગરનાં ઉલ્લેખ કરી રાઘવજીભાઈ પર આરોપો લગાડવામાં આવ્યા છે.

આ જ આઇડી પર એક સ્ટોરી પણ મૂકવામાં આવી છે જેમાં તિરંગા ફિલ્મનાં રાજકુમાર નાં ડાયલોગનાં ઓડીયો સાથે જમીન કૌભાંડ ઉઘાડું પાડવાની ચેતવણીવાળો ફોટો અપલોડ કરવામાં આવ્યો છે.

આમ રાજ્યસરકારનાં પૂર્વમંત્રી અને વર્તમાન ધારાસભ્ય પણ સાયબર ક્રાઇમનો શિકાર બન્યા પછી અને પોલીસ ફરીયાદ નોંધાયા પછી પણ તેમનાં વિરૂદ્ધ સોશ્યલ મિડીયામાં અપપ્રચારનો સિલસિલો યથાવત રહેતા સાયબર માફિયા બેફામ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

(2:27 PM IST)