News of Thursday, 25th December 2025
દુઆ-સલામ કરવા નીકળેલા સાયલાના માતા-પુત્ર આઇશરની ઠોકરે ચડયાઃ માતાનું મોત
માળીયા મિયાણાના ચિરઇ ગામે દરગાહે જતી વખતે ભીમસર ચોકડીએ બનાવ : દીલશનાબેનનું ઘટના સ્થળે જ મોતઃ પુત્ર સિકંદર રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૫: માળીયા મિંયાણાની ભીમસર ચોકડીએ આઇશરની ઠોકરે ચડી જતાં સાયલાના મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે સાથે રહેલા ૧૭ વર્ષના દિકરાને ગંભીર ઇજા થતાં રાજકોટ સારવાર હેઠળ છે. બંને મા-દિકરો સાયલાથી માળીયાના ચિરઇ ગામે દરગાહે દુઆ-સલામ કરવા જતાં હતાં ત્યારે રસ્તો ઓળંગતી વખતે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ સાયલા રહેતાં દિલશનાબેન સલીમભાઇ ભાડુલા (ઉ.વ.૩૬) અને તેનો દિકરો સિકંદર સલીમભાઇ ભાડુલા (ઉ.વ.૧૭) ગઇકાલે સાયલાથી ચિરઇ ગામે દરગાહે દુઆ-સલામ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. દરમિયાન રાતે માળીયા મિંયાણાની ભીમસર ચોકડી પાસેરસ્તો ઓળંગતી વખતે માતા-પુત્ર આઇશરની ઠોકરે ચડી જતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. જેમાં માતા દિલશનાબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પુત્ર સિકંદરને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
સિકંદર માતા-પિતાનો એક જ પુત્ર છે. મૃત્યુ પામનાર દિલશનાબેનના પતિ સલીમભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું હતું કે મારા પત્નિ અને પુત્ર ચિરઇ ગામની દરગાહે દુઆ-સલામ કરવા જવા માટે સાયલાથી નીકળ્યા હતાં. હું ડ્રાઇવીંગ કરવા ગયો હતો. રાતે તેને માળીયાની ભીમસર ચોકડી પાસે આઇશરવાળાએ ઉલાળી દીધાની ખબર પડતાં હું માળીયા મિંયાણા પહોંચ્યો હતો ત્યારે પત્નિનું મોત થઇ ગયાની ખબર પડી હતી.
જો કે આ બનાવમાં સિકંદરને રાતે ભીસર ચોકડીએ કોઇએ માર મારતાં તે ભાગવા જતાં આઇશરની ઠોકરે ચડી ગયાની હોસ્પિટલ પોલીસ ચોકીના રજીસ્ટરમાં નોંધ થઇ હોઇ ખરેખર શું બન્યું? તેની તપાસ માળીયા મિંયાણાના પીએસઆઇ આઇ. પી. જામ અને સ્ટાફે કરતાં બનાવ અકસ્માતનો જ હોવાનું ખુલ્યું હતું.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
