<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

પોરબંદરમાં ૭પ ટકા બાંધકામો ગેરકાયદે

જયારે નગરપાલીકા હતી ત્‍યારે ટીપી કમીટી દ્વારા બહુમતીના જોરે સહી કરીને બાંધકામોની આડેધડ મંજુરી આપી દીધી હતી ? ટી.પી.કમીટીના ચેરમેન દ્વારા જે બાંધકામોને મંજુરી હતી તે મંજુરીનું સરકારના ચોપડે કાયદેસર અસ્‍તિત્‍વ રહેતુ નથી : માન્‍ય અધિકારીઓની સહીવાળા બાંધકામ કાયદેસર ગણાશે : પોરબંદર મહાનગર પાલીકા કમિશનર હસમુખ પ્રજાપતિ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રપઃ  નગરપાલીકા હતી ત્‍યારે  શહેરમાં આડેધડ બાંધકામોની મંજૂરીનો  પોરબંદરનો સળગતો પ્રશ્ન છે. આની પાછળ કોઈ જવાબદાર હોય તો એ પોરબંદરનું રાજકારણની ચર્ચા છે.  બાંધકામની અરજીઓ ટી.પી. કમિટીએ બહુમતીના જોરે આપી દેતા આજે એવી પરિસ્‍થિતિ ઉભી થઇ છે કે જે સરકારના ચોપડે માન્‍ય નથી.

ભૂતકાળમાં આજથી ત્રણ વર્ષ પહેલા  આ મુદ્દો ઉઠાવ્‍યો હતો. હાલની પરિસ્‍થિતિએ વિરોધ પક્ષ નબળો હોવાથી અને સામાન્‍ય પબ્‍લિક આનાથી અજાણ હોવાથી આ મુદ્દે કોઈ ચર્ચામા થતી નથી પરંતુ શ્રેષ્ઠીઓ અને શહેરના બુદ્ધિજીવી લોકો એમ કહી રહ્યા છે કે, લગભગ લગભગ ૭૦ ટકાથી વધુ પોરબંદર ગેરકાયદે છે કારણ  નગરપાલિકાની ટી.પી. કમિટીના ચેરમેનની સહીથી બાંધકામની મંજૂરીઓ અપાઈ છે સરકારના ચોપડે તે બાંધકામ મંજૂરી અસ્‍તિત્‍વમાં ગણાતી નથી. મહાનગર પાલીકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, સરકારના માન્‍ય અધિકારીની સહીવાળા જ બાંધકામો કાયદેસર ગણાશે.

બીજી બાજુ નેતાઓ મોટા મોટા વિકાસના બણગા ફુકે છે પરંતુ આડેધડ બાંધકામને લીધે શહેરની જિઓગ્રાફી અસ્‍ત-વ્‍યસ્‍ત કરી નાખી છે. એક વર્ષ પહેલા આ પ્રશ્ન સામાજિક કાર્યકરે પણ મુદ્દો ઉઠાવ્‍યો હતો. તેમણે જે-તે સમયે એવા આક્ષેપો કર્યા હતા કે, શહેરમાં ૧૩૦ ઇમારતો ગેરકાયદે બાંધકામ વાળી છે. ચેરમેનની સહીથી શહેરભરમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્‍યો છે. તમામ ગેરકાયદે બાંધકામ વાળી ઇમારતો માટે પદાધિકારીઓએ પોતાની સહી કરીને પરવાનગીઓ આપી છે. તેવી ચર્ચા ઉઠી હતી.

વર્તમાન ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા કોંગ્રેસમાં હતા ત્‍યારે તેઓએ પણ આ મુદ્દો ઉઠાવ્‍યો હતો. જે-તે સમયે એમ જણાવ્‍યું હતું કે, ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં પોરબંદર પાલિકામાં આવેલા બાંધકામ માટેની ૩ હજાર જેટલી ઓફલાઈન અરજીઓને ટી.પી. કમિટીએ મંજૂરી આપી હતી જેમાંથી ૨૭ જેટલી મંજૂરીઓ સામે કલેક્‍ટરે સ્‍ટે આપીને નામંજૂર કરી હતી. ટી.પી. કમિટીની તમામ મંજૂરીઓ ગેરકાયદે રીતે આપેલી હતી. તેવા આક્ષેપો જે-તે સમયે કર્યા હતા.

ભાજપ અગ્રણી સુનિલભાઇ ગોહેલે પણ આ મુદ્દો ઉઠાવ્‍યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, ટાઉન પ્‍લાનિંગ કયાં પ્રકારનું હતું આજે શું દશા કરી આજે કોઈ જવાબદાર હોય તો તે ૮૦ ટકા બિલ્‍ડરો વધુ કમાવવાની લાલચમાં ગામની દશા બગાડી છે.

(12:08 PM IST)