News of Saturday, 27th December 2025
સુરેન્દ્રનગરના કલેકટર સહિતના સામે સરકારની મંજૂરી બાદ તપાસ વેગવંતી થશે
ઇડી અને એસીબી ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટઃ જમીનના કરોડોના કૌભાંડમાં હવે શું? ભારે ચર્ચા

(ફઝલ ચૌહાણ દ્વારા વઢવાણ તા. ર૭ :.. કરોડો રૂપિયાની જમીનને ગેરકાયદેસર રીતે બિનખેતી કરવાના મોટા કૌભાંડમાં હવે તપાસ એજન્સીઓ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરાઇ છે. દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી)માં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ કલેકટર સહિત ચાર અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે.
એસીબી એ આ જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ, પી.એ. જયરાજસિંહ ગોહિલ સામે ગુન્હો નોંધ્યો છે.
તમામ આરોપીઓ પર કરોડો રૂપિયાની જમીનને ગેરકાયદેસર રીતે બિનખેતી કરવાના ગંભીર આરોપો લાગેલા છે.મળતા અહેવાલ પ્રમાણે કલેકટર અંગે તપાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે. એસીબી દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલની મિલકત, બેંક ખાતાં અને લોકરની તપાસ કરવા માટે નિયમ અનુસાર રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. મંજૂરી મળ્યા બાદ તપાસને વધુ તેજ કરવામાં આવશે.
કલેકટર સિવાયના અન્ય ત્રણ આરોપીઓ સામે એસીબીને સીધી કાર્યવાહી કરવાની સત્તા છે. કયા સ્થળે તપાસ કરવામાં આવી? કેટલી રોકડ જપ્ત કરવામાં આવી? કોઈ બેનામી મિલકત અથવા શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા કે નહીં? તે અંગે ભારે ચર્ચા છે.
થોડા દિવસો પહેલાં દિલ્હીની ઇડીની ટીમે સુરેન્દ્રનગરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલાક મહત્વના પુરાવા સામે આવતા, ૨૩ ડિસેમ્બરે ઇડી દ્વારા એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઇડીની ફરિયાદ બાદ મામલો વધુ ગંભીર બન્યો છે.
હાલ સમગ્ર રાજ્યની નજર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનારી મંજૂરી અને ત્યારબાદ એસીબી દ્વારા થનારી વાસ્તવિક કાર્યવાહી પર મંડાઈ છે. કરોડોના જમીન કૌભાંડમાં દોષિતો સામે કડક પગલાં લેવાશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
