News of Saturday, 27th December 2025
મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી ૫૩.૫૦ લાખની મતા પડાવી લેનાર ટોળકીના પાંચ શખ્સો પકડાયા
એ ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ૫૧.૧૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધાઃ બે મહિલા સહિત ત્રણની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૭: મોરબીના આધેડને વાડીએ મજુરની જરૂરત હોય જેથી પરિચિત ડ્રાઇવરને વાત કર્યા બાદ ડ્રાઈવરે કાવતરું રચી બોટાદ અને વાંકાનેર પંથકના આઠ સભ્યોની મદદથી એક મહિલાને મજૂર તરીકે મોકલી વાડી માલિક સાથે બળજબરીથી વાંધાજનક ફોટો અને વીડિયો ઉતારી લઈ હનીટ્રેપમાં ફસાવ્યા હતા. બાદમાં મહિલા સહિતના આઠ શખ્સોએ રૂ.૧.૧૧ કરોડમાં સમાધાનની વાત કરી સોનાના બિસ્કિટ અને રોકડ મળી રૂપિયા ૫૩.૫૦ લાખ પડાવી લેવામાં આવતા ખેડૂત આધેડે ફરિયાદ નોંધાવી હતી જેમાં સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ હનીટ્રેપ ગેંગના પાંચ સભ્યોને કાર સહિત રૂ.૫૧.૧૧ લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ભરતભાઈ નામના ખેડૂતને વાડીએ મજૂરની જરૂરત હોય પોતાના પરિચિત અને અગાઉ ડ્રાઇવર તરીકે કામ ક૨તા આરોપી પાંચાભાઈ કાનજીભાઈ માણસુરીયાને મજૂર રાખવા વાત ક૨તા આરોપીઓએ કાવત્રુ રચી અન્ય આરોપીઓની મદદથી ખેડૂત ભરતભાઈ સાથે મહીલાનો કોન્ટેક કરાવી આપ્યો હતો. બાદમાં મહીલા વાડીએ વાડીએ આવી ફરીયાદી સાથે બેઠેલ હોય તે સમયે વાંધાજનક ફોટો અને વીડિયો ઉતારી લઈ હનીટ્રેપ ગેંગ દ્વારા ખેડૂતને ખોટી છેડતી બળાત્કારની ફરીયાદની તથા મારી નાખવાની ધમકી આપી એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી ૧૦૦ ગ્રામ સોનાના ચાર બીસ્કીટ કિમત રૂપિયા ૫૦ લાખ, સોનાનો અઢી તોલાનો કિંમત રૂપિયા ૨.૫ લાખ, તથા રોકડા રૂપિયા એક લાખ મળી કુલ ૫૩.૫૦ લાખ પડાવી લઈ વધુ રૂપીયા કઢાવવા માટે ખેડૂતનું અપહરણ કરી ગોંધી રાખવામાં આવ્યા હતા.
મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સોર્સથી તપાસ હાથ ધરી આરોપી (૧) જીલુભાઈ વિહાભાઈ પરસાડિયા રહે-પાળીયાદ, તા.જિ.બોટાદ (૨) મુકેશભાઈ મફાભાઈ આલ રહે. દશામાતાજીના મંદીર પાસે સુદામડા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર (૩) ક૨ણભાઈ દેવરાજભાઈ વરૂ રહે.નવા બસ્ટેશન પાછળ ભરવાડપરા વાકાનેર જી.મોરબી (૪) પાંચાભાઈ કાનજીભાઈ માણસુરીયા રહે- તીથવા, તા.વાંકાનેર જિ.મોરબી અને આરોપી (૫) દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી રહે.આનંદધામ સોસાયટી, ગઢડા રોડ બોટાદ વાળાઓને ઝડપી લીધા હતા. હજુ આ કેસમાં આરોપી (૬) મનીષભાઈ ગારીયા રહે.રતનપર બોટાદ (૭) રમેશ ઉર્ફે રામાભાઈ હાડગડા રહે.નાગલપર બોટાદ તેમજ (૮)એક મહીલાને ઝડપી લેવાના બાકી હોય પોલીસે બાકીના આરોપીઓનું પગેરું દબાવ્યું છે
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
