<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

કચ્છમાં ધરતીના પેટાળમાં ભારે હલચલ: ૩૦ કલાકમાં ૨૩ આંચકાથી ફફડાટ, ત્રણ નવી ફોલ્ટ લાઈન સક્રિય થતા વૈજ્ઞાનિકો ચિંતિત

૨૦૦૧ના વિનાશક ભૂકંપના ૨૪ વર્ષ બાદ ફરી ધ્રુજી ઉઠ્યું કચ્છ: ઉત્તર વાગડ સહિત કાથરોલ અને ગોરા ડોંગર ફોલ્ટ લાઈનમાં સક્રિયતા વધતા મોટા ભૂકંપની આશંકા, નિષ્ણાતોએ આપી સતર્ક રહેવા ચેતવણી

ભુજ (કચ્છ) : કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના જોખમી મોડ પર આવીને ઉભી હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે સવારે આવેલા ૪.૬ની તીવ્રતાના ભૂકંપ બાદ માત્ર ૩૦ કલાકના ટૂંકા ગાળામાં જ ૨૩ જેટલા આફ્ટરશોક્સ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે ભૂકંપ બાદ હળવા આંચકા આવતા હોય છે, પરંતુ આ વખતે ભૂસ્તરશાસ્ત્રીઓએ જે ખુલાસો કર્યો છે તે અત્યંત ચિંતાજનક છે. કચ્છ યુનિવર્સિટીના ભૂ-વિજ્ઞાન વિભાગના મતે, આ વખતે માત્ર એક નહીં પણ 'ઉત્તર વાગડ', 'કાથરોલ ટેકરી' અને 'ગોરા ડોંગર' એમ ત્રણ ફોલ્ટ લાઈનો એકસાથે સક્રિય થઈ છે, જે ભૂગર્ભમાં થતી મોટી હલચલનો સંકેત આપી રહી છે.

વર્ષ ૨૦૦૧માં જ્યારે કચ્છમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે દક્ષિણ વાગડ ફોલ્ટ લાઈન જવાબદાર હતી. જોકે, ૨૦૨૫ના તાજેતરના ડેટા દર્શાવે છે કે ધરતીના પેટાળમાં રહેલો તણાવ (Stress) હવે નવી ફોલ્ટ સિસ્ટમમાં સ્થાનાંતરિત થઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ હળવા આંચકાઓ એક રીતે આશીર્વાદ સમાન છે કારણ કે તેનાથી જમીન નીચે દબાયેલી ઊર્જા ધીમે-ધીમે મુક્ત થઈ રહી છે, જે મોટા ભૂકંપના જોખમને ટાળી શકે છે. તેમ છતાં, એકસાથે ત્રણ ફોલ્ટ લાઈનનું સક્રિય થવું એ ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ 'રેડ સિગ્નલ' સમાન માનવામાં આવે છે.

શુક્રવારના ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ૨૦૦૧ની એ કાળી રાતને યાદ કરી ધ્રૂજી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભલે આ વખતે જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આ ફોલ્ટ લાઈનોમાં મોટો હલચલ થશે, તો તેની અસર માત્ર કચ્છ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં તેના આંચકા અનુભવાઈ શકે છે. કચ્છ પહેલેથી જ સિસ્મિક ઝોન-૫ માં આવે છે, જે વિશ્વના સૌથી વધુ ભૂકંપ-સંભવિત વિસ્તારોમાંનો એક છે.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને અધિકારીઓને સાબદા રહેવા સૂચના આપવામાં આવી છે. ભૂ-વિજ્ઞાનના પ્રોફેસર ગૌરવ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, આપણે આ કુદરતી સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ. શાળાઓમાં ભૂકંપ સામે રક્ષણ મેળવવાની મોક ડ્રીલ યોજવી, મકાન બાંધકામમાં ભૂકંપરોધક ટેકનોલોજીનો કડક અમલ કરવો અને નાગરિકોને સજાગ કરવા એ જ આ સંભવિત આફતનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કચ્છની ધરતીમાં થતી આ અકળ હલચલ પર અત્યારે સમગ્ર દેશના વૈજ્ઞાનિકોની નજર ટકેલી છે.

(1:40 PM IST)