<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

થાનગઢના નળખંભા ગામમાં દારૂની રેડ બાદ ખેડૂતે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા

પોલીસે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ખેડૂતનો ગુનાહિત ઇતિહાસ જાહેર કર્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: નળખંભા ગામના ખેડૂત ગોવિંદભાઈ ભીમાભાઈ સારલાએ એક વિડીયો જાહેર કરીને પોલીસ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્‍યા છે. તેમણે જણાવ્‍યું કે તેમના ખેતર પાસેના ટાંકામાંથી દારૂ પકડાયા બાદ હેડ કોન્‍સ્‍ટેબલ દિલીપભાઈ લકુમે કેસ પતાવવા માટે વોટ્‍સએપ કોલ દ્વારા રૂ.૨ લાખની લાંચ માંગી હતી.

ગોવિંદભાઈએ લાંચ આપવાને બદલે કોર્ટમાં શરણાગતિ સ્‍વીકારી હતી. તેમનો આરોપ છે કે ત્‍યારબાદ પોલીસ સ્‍ટેશન લાવવામાં આવતા પીઆઈ ટી.બી. હિરાણી અને સ્‍ટાફે તેમને ૫૦થી વધુ પટ્ટા મારી ઢોર માર માર્યો હતો. પોતે નિર્દોષ હોવાનું જણાવી ગોવિંદભાઈએ મેજિસ્‍ટ્રેટ સમક્ષ લેખિત ફરિયાદ કરી ન્‍યાયની માંગ કરી છે.

આ મામલે હેડ કોન્‍સ્‍ટેબલ દિલીપભાઈ લકુમે તમામ આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્‍યા છે. તેમણે જણાવ્‍યું કે ખેડૂત દ્વારા પોલીસ પર દબાણ લાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્‍યો છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ગોવિંદભાઈ સારલા સામે અગાઉ દારૂના ૪-૫ કેસો નોંધાયેલા છે. તેઓ પોક્‍સોના કેસમાં ૯ મહિનાની જેલની સજા પણ ભોગવી ચૂકયા છે. પોલીસે વધુમાં જણાવ્‍યું કે ગોવિંદભાઈ અગાઉ દારૂ વેચવાની મંજૂરી માંગવા આવ્‍યા હતા, પરંતુ મંજૂરી ન મળતા તેમણે ગેરકાયદે પ્રવળત્તિ ચાલુ રાખી હતી. કોર્ટના આદેશ મુજબ તેમનો મેડિકલ ટેસ્‍ટ કરાવવામાં આવ્‍યો ત્‍યારે રિપોર્ટમાં માર માર્યાના કોઈ પુરાવા મળ્‍યા ન હતા.

પોલીસનો દાવો છે કે ગોવિંદભાઈએ એક સંદેશો મોકલીને જણાવ્‍યું હતું કે જો તેમને દારૂનો ધંધો કરવા દેવામાં આવે તો તેઓ વિડીયો ડિલીટ કરી નાખશે. એક તરફ ખેડૂત પોલીસ પર અત્‍યાચારનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ તેને દબાણ લાવવાનો પ્રયાસ ગણાવી રહી છે. આ મામલો ઉચ્‍ચ અધિકારીઓ સુધી પહોંચ્‍યા બાદ જ સત્‍ય બહાર આવશે.

(12:29 PM IST)