<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસનું લોખંડી આયોજન : ૭૫૮ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત અને ૧૪ ચેકપોસ્ટ પર સઘન સર્વેલન્સ

નવા વર્ષને આવકારવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ વ્યુહાત્મક આયોજન : ડ્રોન કેમેરા, બોડીવોર્ન કેમેરા અને સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર રખાશે બાજ નજર - નશાખોરો અને અસામાજિક તત્વો વિરુદ્ધ નાઈટ કોમ્બિંગ સાથે કડક કાર્યવાહીના આદેશ

કૌશલ સવજાણી દ્વારા, જામખંભાળીયા, ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ : વર્ષ ૨૦૨૫ને વિદાય આપવા અને ૨૦૨૬ના નવા વર્ષને આવકારવા માટે યોજાનારી ૩૧મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વ્યુહાત્મક આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભારે સુરક્ષા બંદોબસ્ત અને ચેકપોસ્ટની વ્યવસ્થા
નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે કુલ ૭૫૮ અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૩૩ અધિકારીઓ, ૨૩૪ કર્મચારીઓ અને ૪૯૧ SRD/GRD/HG/TRB જવાનોનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ ૧૪ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં બ્રેથ એનાલાઈઝર, બોડીવોર્ન કેમેરા અને વોકીટોકી સેટની સુવિધા સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
ડ્રોન અને સાયબર સેલની બાજ નજર
ખંભાળીયા અને દ્વારકા જેવા ભીડભાડ વાળા વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાના સાયબર સેલ (સોશિયલ મીડિયા QRT) દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા પ્લેટફોર્મ પર અપલોડ થતા ફોટો, વીડિયો અને પોસ્ટ પર સતત દેખરેખ રાખવામાં આવશે.
અસામાજિક તત્વો અને મહેફિલો પર ત્રાટકશે પોલીસ
જિલ્લાની ખાસ ટીમો દ્વારા હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ અને ધર્મશાળાઓમાં સઘન ચેકિંગ કરવામાં આવશે જેથી ક્યાંય નશાની મહેફિલો ન યોજાય. ખાસ નાઈટ કોમ્બિંગ હાથ ધરીને નામચીન અને અસામાજિક તત્વોને ચેક કરવામાં આવશે. ટ્રાફિક શાખા દ્વારા હાઈવે પર પેટ્રોલીંગ રાખી પુરપાટ ઝડપે દોડતા અને બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહિલા પોલીસની સી ટીમો દ્વારા પણ રોમિયોગીરી કરનારા તત્વો પર નજર રખાશે.
પોલીસની જાહેર જનતાને ખાસ અપીલ
પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને નવા વર્ષની ઉજવણીમાં સંયમ અને તકેદારી રાખવા નીચે મુજબની સૂચનાઓ આપી છે:
 * કોઈપણ પ્રકારના કેફી પદાર્થનું સેવન કરવું નહીં અને તેવી પાર્ટીઓમાં સામેલ થવું નહીં.
 * બિનજરૂરી ટ્રાફિક કે ટોળા ન કરવા અને વ્યક્તિગત ઓળખકાર્ડ તથા વાહનના જરૂરી દસ્તાવેજો સાથે રાખવા.
 * પૂર્વ મંજૂરી વગર ડી.જે. કે લાઉડ સ્પીકર વગાડી ઘોંઘાટ કરવો નહીં.
 * સોશિયલ મીડિયા પર ઉત્તેજક પોસ્ટ મૂકવી નહીં કે તેને સમર્થન આપવું નહીં.
 * કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ‘૧૧૨’ નંબર પર જાણ કરવી.

(8:29 PM IST)