News of Wednesday, 31st December 2025
પડધરીના રામપર પાસે ટ્રીપલ અકસ્માતઃ રિલાયન્સના એન્જિનીયર પ્રફુલ જાનીનું મોતઃ એક મિત્રને ઇજા
૨૫ વર્ષિય યુવાને રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ મુળ વડોદરાનો વતની હતોઃ ચાર મિત્રો રાજકોટ પરિક્ષા આપવા આવી રહ્યા હતાઃ કારને પાછળથી આઇશરે ઠોકર મારતાં આગલી કાર સાથે અથડાતાં બનાવઃ પડધરી પોલીસે મૃતકના મિત્રની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૧: જામનગર-રાજકોટ હાઈવે પર પડધરીના મોટા રામપર ગામ પાસે જીવલેણ ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જામનગરથી રાજકોટ પરીક્ષા આપવા જઈ રહેલા પાંચ મિત્રોની કારને પાછળથી પૂરઝડપે આવતા એક આઈશર ટેન્કરે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મુળ વડોદરાના અને હાલ જામનગર ખાવડી રહી રિલાયન્સમાં એન્જિનીયર તરીકે નોકરી કરતાં ૨૮ વર્ષના યુવાન પ્રફુલભાઈ ભાસ્કરભાઈ જાનીનું કરૂણ મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મુળ વડોદરાના અને હાલ જામનગરમાં રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા ભાવિકભાઈ હસમુખભાઈ પ્રજાપતિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગઇકાલ સવારે આશરે સાત વાગ્યે વાગ્યે તેમની અલ્ટ્રોઝ કાર જીજે૦૬પીએફ-૨૯૮૨ લઈને મિત્રો ધવલ કટારીયા, પાર્થ ઠક્કર, રાહુલ ઠાકોર અને પ્રફુલ જાની સાથે પરીક્ષા આપવા રાજકોટ જવા નીકળ્યા હતા. એ દરમિયાન સાડા આઠેક વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પડધરીના મોટા રામપર ગામ પાસે પહોંચ્યા ત્યારે આગળ જતી એક અલ્ટો કારને કારણે તેણે પોતાની ગાડી ધીમી પાડી હતી.
આ સમયે પાછળથી પૂરઝડપે આવેલા આઈશર ટેન્કર જીજે૧૨બીએક્સ-૭૦૮૭ના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ કારણે ભાવિકભાઈની કાર આગળ જતી અલ્ટો કારમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પ્રફુલભાઈ જાનીને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું, જ્યારે ધવલભાઈને નાકના ભાગે ઈજા થઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહિ આઇસીયુ વોર્ડમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા પ્રફુલભાઈને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિ.એસ. ઝાલાએ ભાવિકભાઈની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર પ્રફુલભાઇ એક બહેનથી મોટા અને પરિવારનો આધારસ્તંભ હતાં. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૫)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
