News of Wednesday, 31st December 2025
ગોંડલની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીથી તરુણનું મોત
દારુની મહેફીલો યોજાતી હોવાનો સમાજ સેવક પ્રફુલભાઈ રાજ્યગુરુનો આક્ષેપ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩૧ઃ ગોંડલની સરકારી હોસ્પિટલમાં અંધેર વહીવટ ચાલી રહ્યો હોય જેનો ભોગ તરુણ બન્યાનું જણાવી સામાજિક કાર્યકર પ્રફુલભાઈ રાજ્યગુરુ એ સ્ટાફની બેદરકારીને કારણે તરુણ નું મોત થયાનું જણાવ્યું હતું. તેમણે હોસ્પિટલ માં દારુડીયાઓ તથા અસામાજીક તત્વોનો અડ્ડો જામતો હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલનાં અણધડ વહીવટ અંગે ધારાસભ્ય તથા આરોગ્ય તંત્ર ને રજુઆત કરીછે.
પ્રફુલભાઈ રાજ્યગુરુ એ જણાવ્યું કે હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર સહિત અન્ય તબીબો ઉપરાંત પચ્ચીસથી વધુ ર્નસિંગ સ્ટાફ હોવા છતા ર્નસિંગ સ્કુલનાં સ્ટુડન્ટો પર હોસ્પિટલ નભી રહી છે. જવાબદાર કર્મચારીઓ કોઇ કામ કરતા નથી ત્યારે ર્નસિંગ સ્ટુડન્ટો દ્વારા હોસ્પિટલ ચાલી રહી છે. બે દિવસ પહેલા ફેજલ ઇસ્માઇલભાઇ બોડા નામનો તરુણ પીડાઈ રહ્યો હોવા છતા કોઇ તબીબો એ ગંભીરતા નહી લેતા તેનું મૃત્યુ થયુ હતુ. હોસ્પિટલમાં પુરતો સ્ટાફ હોવા છતા બેદરકારી તથા સારવારનાં અભાવે પરીવારે એકનાં એક પુત્રને ગુમાવ્યો હતો. બીજી ઘટનામાં એક બાળક મૃત્યુ પામ્યો હોવા છતા તેને રાજકોટ રિફર કરાયો હતો. આ સમયે હોસ્પિટલમાં એક અનુભવી વ્યકિત એ ઇસીજી કાઢવાનું કહેતા તેના રિપોર્ટમાં બાળક મૃત હોવાનુ બહાર આવ્યું હતું. આમ હોસ્પિટલમાં રેઢા પડ જેવી હાલત હોય દર્દીઓની હાલત કફોડી બની છે.
પ્રફુલભાઈ રાજ્યગુરુ એ વધુમાં જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં નસેડીઓ અને ઉઠાઉગીરોને મોકળુ મેદાન હોય તેમ દર્દીઓ તથા તેમના સગા વહાલાનાં માલ સામાન, મોબાઈલ કે રોકડ રકમ ઉઠાવગીરો ઉઠાવી જવાની ઘટનાઓ બનતી રહેછે.
હોસ્પિટલની કથળેલી હાલત અંગે અધીક્ષક માહિતગાર હોવા છતા અમુક લોકોની બિનજરુરી દરમિયાનગીરીને કારણે તેવો આંખ આડા કાન કરી રહ્યા છે. હોસ્પિટલને બચાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા તેમણે રજુઆતમાં જણાવ્યું હતું.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
