<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

હોન્‍ડા પર જતા ચણોલ પાસે હાર્ટ એટક આવતા સામાજિક અગ્રણી નિર્મળસિંહજીનું સ્‍થળ પર અવસાન

ધ્રોલ પંથકના નિષ્ઠાવાન સામાજિક અગ્રણી અને ભૂચર મોરીના પરમ સેવક નિર્મળસિંહ જાડેજા (નીરૂભા)નું હાર્ટએટકથી દુઃખદ નિધન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા.૩૧, ધ્રોલ કુદરત કયારેક અત્‍યંત ક્રૂર નિર્ણય લે છે, જેનો પુરાવો ધ્રોલ પંથકે ગુમાવેલા એક નિષ્ઠાવાન અને અજોડ સેવાભાવી રત્‍ન પરથી મળે છે. છેલ્લા ૩૫ વર્ષોથી ભૂચર મોરીના શહીદોની અવિરત અને નિઃસ્‍વાર્થ ભાવે સેવા કરનારા, સામાજિક કાર્યકર અને જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘના મહામંત્રી શ્રી નિર્મળસિંહ (નીરૂભા) નારુભા જાડેજા (ઝીલારીયા) નું ગત તા. ૨૯ ડિસેમ્‍બરના રોજ હૃદય રોગના હુમલાને કારણે અચાનક દુઃખદ અવસાન થયું છે. આ કરુણ ઘટના ગત સોમવારે સાંજે ૫ વાગ્‍યાના સુમારે બની હતી, જ્‍યારે તેઓ પોતાના વતન ઝીલારીયાથી હોન્‍ડા પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્‍યારે ચનોલ ગામ પાસે તેમને અચાનક હાર્ટ અટેક આવતા સ્‍થળ પર જ તેમનું અવસાન થયું હતું.

મૂળ ઝીલારીયા ગામના વતની અને એસ.ટી. ડેપો ધ્રોળમાં લાંબો સમય નોકરી કરી ૨ વર્ષ પૂર્વે જ નિવળત્ત થયેલા નિર્મળસિંહજી વ્‍યવસાયની સાથે સતત સામાજિક સેવામાં સમર્પિત હતા. ભૂચર મોરી શહીદ સ્‍મારક સાથે તેમનો નાતો અતૂટ હતો. જ્‍યારે ભૂચર મોરીના કાર્યક્રમોમાં શરૂઆતમાં માત્ર થોડા જ લોકો આવતા હતા ત્‍યારથી લઈને આજે હજારોની મેદની ઉમટે છે ત્‍યાં સુધી, તેઓ કોઈ પણ જાતના પ્રચારની ભૂખ વગર મૂક સેવક બનીને કાર્ય કરતા રહ્યા. નવું શહીદ સ્‍મારક બન્‍યા બાદ તેઓ દરરોજ મુલાકાત લેતા અને રાજેન્‍દ્રસિંહ વાઘેલા (લીલીયા) સાથે મળીને સ્‍મારકની જાળવણી અને વિકાસની સતત ચિંતા કરતા હતા.

નિર્મળસિંહજી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના એક અત્‍યંત સમર્પિત કાર્યકર હતા. તેઓએ ધ્રોલ તાલુકા પ્રમુખ તરીકે લાંબી સેવા આપી હતી અને હાલ જામનગર જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ ધ્રોળ ખાતેની સંસ્‍થા શ્રી દીપસિંહજી ધ્રોળ ભાયાત રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના મંત્રી તરીકે પણ સક્રિય હતા. ૨૦૧૯માં ૨૫૦૦ દીકરીઓ નો તલવાર રાસ વિશ્વ રેકોર્ડ હોય, ૨૦૨૨માં યોજાયેલ ઐતિહાસિક ભવ્‍ય શૌર્ય કથા હોય કે ૨૦૨૩માં ૫૦૦૦ યુવાનોની તલવારબાજીનો વિશ્વ રેકોર્ડ હોયラઆ તમામ ભવ્‍ય કાર્યક્રમોના સફળ આયોજન પાછળ તેઓ મુખ્‍ય સ્‍થાનિક કેન્‍દ્ર રહ્યા હતા. તેઓ દરેક મોટા કાર્યક્રમોનો હિસાબ પણ અત્‍યંત ચોકસાઈપૂર્વક રાખતા હતા.

(1:53 PM IST)