<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

વંથલીના શાપુરમાં પૈસાની લેતીદેતીના મુદ્દે પ્રૌઢ પર હુમલો

૨ મહિલા સહિત ૪ શખ્‍સ સામે પોલીસ ફરિયાદ

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૦૧: વંથલી તાલુકાના શાપુરમાં રહેતા પ્રૌઢ વેપારી પર પૈસાની લેતી-દેતીના મુદે ૨ મહિલા ચાર શખ્‍સોએ લાકડી તથા ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્‍યાની ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે મળતી વિગત મુજબ, શાપુરમાં રહેતા અને સોડાની દુકાન ધરાવતા અમળતલાલ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.૫૦) ના સાઢુભાઈના પુત્ર વિવેક સાથે સોહિલ બસીર સમાએ પૈસાનો વ્‍યવહાર કર્યો હતો. વિવેક છેલ્લા ચાર-પાંચ વર્ષથી શાપુર ગામ મુકી કયાંક જતો રહ્યો છે.

સોહિલ બસીરને વિવેકને અમળતલાલ ચાવડા મદદ કરે છે અને તેની સાથે વાત કરે છે એવી શંકા હતી. જેથી સોહિલ બસીર સમા, મહમદ બસીર સમા, સોહિલના માતા અને બહેને દુકાને જઈ અમળતલાલને ‘વિવેકને કહેજો મારા પૈસા દ' તેમ કહી ગાળો આપી હતી અને લાકડી તથા ઢીકાપાટુથી આડેધડ માર માર્યો હતો. બુમાબુમ થતા અન્‍ય લોકોએ આવી અમળતલાલને બચાવ્‍યા હતા.

 સોહિલના માતા અને બહેને જતા-જતા ‘જો અમારી પર ફરિયાદ કરીશ તો દુષ્‍કર્મની ફરિયાદ કરી ફસાવી દેવા' ધમકી આપી હતી. ઈજાગ્રસ્‍ત અમળતલાલને વંથલી બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ફરિયાદ થતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(11:04 AM IST)