<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

કચ્છમાં વિમાની સેવાઓનો વ્યાપ વધારવા અને કંડલામાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવા FOKIA ની દિલ્હીમાં રજૂઆત

કચ્છ ઇન્ડ્રસ્ટ્રીઝ ફેડરેશને સાંસદ વિનોદ ચાવડા સાથે મળી નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં કરી રજૂઆત : ભુજ-અમદાવાદ હવાઈ સેવા પુનઃશરૂ કરવા તેમજ કંડલામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કચ્છ જિલ્લાના વિમાની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ)ના પ્રતિનિધિમંડળે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક સાથે દિલ્હીમાં તાજેતરમાં મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભુજ-અમદાવાદ હવાઈ સેવા પુનઃશરૂ કરવા તેમજ કંડલામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

 ફોકિઆના એમ.ડી. નિમિષ ફડકેના કહેવા મુજબ બેઠક દરમિયાન નાગરિક ઉડ્ડયન નિયામક શંખેશ મહેતાએ જણાવ્યું હતું કે, ભુજ-અમદાવાદ રૂટ પહેલાં ઉડાન યોજના હેઠળ સંચાલિત થતો હતો, જેમાં ભારત સરકાર તરફથી ત્રણ વર્ષના સમયગાળા માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ (વીજીએફ) આપવામાં આવતું હતું. ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ફ્લાઇટની ઓક્યુપન્સી આશરે ૭૦ ટકા રહી હતી, જે દર્શાવે છે કે આ રૂટ વ્યાપારી ધોરણે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. જો કે, જો ઓપરેટરને વ્યાપારી વાયેબિલિટીમાં પડકારોનો સામનો કરવો પડે તો રાજ્ય સરકાર પરસ્પર સહમતિના આધારે સહાય આપી શકે છે.

 આ અંગે સ્ટાર એરના સીઈઓ અને જનરલ મેનેજર માર્કેટીંગ સાથે ટેલીફોનીક ચર્ચા કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ સેવા પુનઃશરૂ કરવા માટે ગુજરાત સરકાર શક્ય તેટલી સહાય આપે તે વિનંતી કરવામાં આવી છે. વધુમાં, આ પ્રતિનિધિ મંડળે ભુજ-મુંબઈ અને ભુજ-દિલ્હી વચ્ચે ઈન્ડીગો દ્વારા સેવા શરુ કરવા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં કંડલા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ફોકિઆની દીનદયાલ પોર્ટ ઓથોરિટી સાથેની ચર્ચા આધારે પોર્ટ ઓથોરિટીએ જરૂરી જમીન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ને સોંપવાની તૈયારી દર્શાવી છે. આ પ્રક્રિયાને આગળ વધારવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ગુજરાતના મુખ્ય સચિવને જમીનની વિગતો સાથે પત્ર લખી શકે છે. ત્યારબાદ મુખ્ય સચિવ એએઆઈને ફીઝિબિલિટી સ્ટડી કરાવવા માટે જણાવી શકે છે. જાણકારી અનુસાર, એએઆઈ બે ફીઝિબિલિટી સ્ટડી નિ:શુલ્ક કરી શકે છે.

 

આ પ્રતિનિધિમંડળમાં શ્રી ફડકેની સાથે ઉદ્યોગપતિ ભાવેન ઠક્કર પણ જોડાયા હતા.

આ ચર્ચાઓ કચ્છના ઔદ્યોગિક અને પર્યટન વિકાસ માટે મહત્વની છે, કારણ કે વધુ સારી વિમાની કનેક્ટિવિટીથી પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકોને મોટો લાભ થશે. આગામી સમયમાં આ અંગે વધુ પ્રગતિ થાય તેવી અપેક્ષા છે.

(9:32 AM IST)