<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

૨૧થી ૨૪ ફેબ્રુઆરીમાં માવઠાની શકયતા, બે-બે સૂર્ય અને ચંદ્રગ્રહણથી આ વર્ષે ગરમી ખૂબ, ઠંડી ઓછી

વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍ય રમણીક વામજાનું પૂર્વાનુમાન ૧૨થી ૧૬ જાન્‍યુઆરી ફરી હવામાનમાં પલટો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨: વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍ય રમણીકભાઈ વામજાએ ખગોળ વિદ્યા અને ભડલી વાકયના આધારે મહત્‍વનું પૂર્વાનુમાન કરતા જણાવ્‍યું હતું કે, ૨૧ થી ૨૪ ફેબ્રુઆરીમાં માવઠાની શકયતા, બે-બે સૂર્ય અને ચંદ્રગ્રહણથી આ વર્ષે ગરમી ખૂબ, ઠંડી ઓછી પડશે.

તેમના જણાવ્‍યા અનુસાર ૧૨ થી ૧૬ જાન્‍યુઆરી ગાઢ ધુમ્‍મસ અને વાદળછાંયુ વાતાવરણ રહેશે. જ્‍યારે ૧૨થી ૧૬ જાન્‍યુઆરી વિછુડો બેસવાથી હવામાનમાં પલટો આવશે અને

આગામી તા. ૨૧ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન માવઠું થવાની સંભાવના હોવાનું જણાવ્‍યું હતું.

પોષ વદમાં કુદરતી આફત આવે તેવું પૂર્વાનુમાન કરતા વધુમાં જણાવ્‍યું હતું કે, ભાદરવા મહિનામાં તીડનું આગમન થવાની શકયતા છે. તા. ૧૭ સપ્‍ટેમ્‍બર ભાદરવા સુદ ૬ના દિવસનું નક્ષત્ર અનુરાધા હોવાથી વરસ એકંદરે સારું રહેશે. આ વર્ષે મકરસંક્રાંતિ બુધવારે હોવાથી નક્ષત્ર અનુરાધાને લઈને અનાજનો ભાવ ઘટવાની પણ શકયતા છે.

શ્રી વામજાએ વધુમાં જણાવ્‍યું હતું કે, આ વર્ષે કંકણા કળતિ સૂર્યગ્રહણ તા. ૧૭ ફેબ્રુઆરી મહા વદ ૩૦ને મંગળવારે, જે ભારતમાં દેખાશે નહીં. કંકણા કળતિ ચંદ્રગ્રહણ તા. ૩ માર્ચ ફાગણ સુદ ૧૫ મંગળવારે (ધૂળેટી) ભારતમાં દેખાશે. ખગ્રાસ સૂર્યગ્રહણ તા. ૧૨ ઓગસ્‍ટ બુધવાર અષાઢ વદ ૩૦ (દિવાસો)એ ભારતમાં દેખાશે નહીં. ખગ્રાસ ચંદ્રગ્રહણ તા. ૨૭ ઓગસ્‍ટ શ્રાવણ સુદ ૧૪/૧૫ ગુરૂ/શુક્ર (રક્ષાબંધન)એ ભારતમાં દેખાશે. ૨ સૂર્યગ્રહણ અને ૨ ચંદ્રગ્રહણ આવવાથી અતિ ભારે ગરમી પડશે, ઠંડી ઓછી રહેશે, વાવાઝોડું, દરિયાઈ પટ્ટીમાં તોફાની વરસાદ થઈ શકે તેમ હોવાનું રમણીક વામજાએ પૂર્વાનુમાન કરતા જણાવ્‍યું હતું.

 

(10:58 AM IST)