<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સાયલાના કસવાડીમાં મંદબુદ્ધિની દીકરીના કેન્‍સરના ઈલાજ માટે પિતાએ વાવ્‍યો ગાંજો..!

બ્‍લડ કેન્‍સરથી પીડિત દીકરીની સારવારના નાણાં ન હોવાથી ૭ વિઘામાં ગાંજો વાવ્‍યોઃ ૧૫ દિવસે પીડિત પુત્રીને અમદાવાદ ડાયાલીસિસ માટે લઈ જવી પડે છેઃ જમીન છે તેના પર પણ દેવું થઈગયું: દિકરી એવી છે કે જે પિતા વગર રાત્રે સૂતી પણ નથી અને જમતી પણ નથી! : ગુજરાત રાજયનો સોૈથી મોટો ગાંજાનો જથ્‍થો ઝડપી લેતી સુરેન્‍દ્રનગર એસઓજીઃ ૧૫ કરોડથી વધુનો ગાંજો કબ્‍જેઃ પિતાની ધરપકડ

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨: સુરેન્‍દ્રનગર જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ગુજરાત રાજ્‍યનો સૌથી મોટો ગાંજાનો જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો છે અને વાવેતર ઝડપી પાડવામાં આવ્‍યા છે. સાયલા તાલુકાના કસવાડી ગામે દરોડા પાડી ૩૦૩૬ કિલો ગાંજાનો જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો છે અને ૧૫,૧૮,૪૦,૦૦૦નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવી છે જેમાં પોતાની પીડિત દીકરીના ઈલાજ માટે પિતાએ પોતાના સાત વિઘા બચેલા ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે.

આરોપી સંજય તાવીયાની દીકરી બ્‍લડ કેન્‍સરથી પીડિત છે અને અત્‍યાર સુધીમાં આરોપી તેને ૭૩ વખત ડાયાલિસિસ માટે અમદાવાદ લઈ ગયો છે. આ દીકરીની સારવાર માટે તેની પાસે પૈસા ન હોવાથી તેણે ગાંજાનું વાવેતર કરવાનું શરૂ કર્યું હતું. પોતાની સાત વીઘા જમીનમાં તેણે મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરી તેની મનોવિકલાંગ દીકરીની કેન્‍સરની સારવાર માટે પૈસા એકઠા કરી રહ્યો હોવાનું પોલીસને જણાવ્‍યું હતું. સુરેન્‍દ્રનગર એસઓજી પોલીસ દ્વારા ખેતરમાં દરોડા પાડીને સંજય તાવીયાને ઝડપ્‍યો છે. રેડ બાદ પિતા જેલમાં જશે ત્‍યારબાદ આ પુત્રીની જવાબદારી કોણ ઉઠાવશે તે એક સવાલ છે. મંદબુદ્ધિની દીકરી છે અને બ્‍લડ કેન્‍સરથી આ દીકરી પીડીત છે તેના ઈલાજ માટે છેલ્લો વિકલ્‍પ એક ગાંજાની ખેતી આ યુવકને બચી હતી.

પોતાની સાત વીઘા જમીન આવેલી છે તેના ઉપર પણ ૩.૫૦ લાખ રૂપિયાનું દેણું થઈ ગયું હતું. કોઈ પણ પ્રકારનો પાક વાવેતર કરે તો તેનું ઉપજ આવે તો તેમાં કંઇ ઉપજે તેવી પરિસ્‍થિતિ  હતી અને તેના દીકરી માટે ઈલાજના રૂપિયા પણ ન હતા અંતે સંજય નામના ખેડૂત દ્વારા વિચારણા કરી અને પોતાની મંદબુદ્ધિની બાળકી કે જે બ્‍લડ કેન્‍સરથી પીડિત છે તેના ઈલાજ માટે અંતે તેને ગાંજાનું વાવેતર કરી નાખ્‍યું. ‘તે પીતા હોય પોતાની પુત્રીનો જીવ બચાવવા માટે પોતે જેલમાં જાય તે પ્રકારનો બનાવ સુરેન્‍દ્રનગર વિસ્‍તારમાં બનવા પામ્‍યો છે.(૨.૯)

(11:04 AM IST)