તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Friday, 2nd January 2026
બગદાણામાં યુવક ઉપર હુમલો પ્રકરણમાં ૮ શખ્સોના રિમાન્ડની તજવીજ : પી.આઇની બદલી
આ પ્રકરણમાં કોઇને પણ છોડવામાં નહી આવે : સીસીટીવી કેમેરાના આધારે તપાસ : ભાવનગર જીલ્લા પોલીસવડા નિતેષ પાંડેય

ભાવનગરઃ ભાવનગરના બગદાણાના યુવાન પર થયેલ હુમલાના આરોપીઓનું પોલીસે રિ-કન્સ્ટ્રકશન કરાયું હતું જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી - ભાવનગર)
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના યુવક પર મોણપર ગામ નજીક આઠ શખ્સો દ્વારા ધોકા પાઈપ વડે હુમલો કર્યાંના બનાવમાં રાજકારણ ગરમાયું છે. પીડિત યુવક દ્વારા કરવામાં આવેલા આક્ષેપ બાદ જિલ્લા પોલીસવડાએ બગદાણા પીઆઈની બદલી કરી લીવ રિઝર્વમાં મુકયા છે. બીજી તરફ આ મામલાની તપાસ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપવામાં આવી છે. તેમજ આ સમગ્ર બનાવ માં સંડોવાયેલા આઠેય ઈસમોને પોલીસે ઝડપી લઈ ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શ કરવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાના બગદાણા ગામે રહેતા નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધિયા પર ગત તા.૨૯-૧૨ની મોડી રાત્રિના મહુવાના મોણપર ગામ નજીક આઠ શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બનાવ અંગે બગદાણા પોલીસ મથકમાં આઠ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પીડિત યુવક નવનીતભાઈ એ બગદાણા પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યાં હતા. બીજી તરફ દારૂના અને માટીના ધંધાની બાતમી આપ્યાની શંકાએ આઠ શખ્સોએ નવનીતભાઈ પર હુમલો કર્યો હોવાનું મહુવા ઈન્ચાર્જ ડીવાયએસપીએ જણાવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલા આઠેય આરોપીઓને ઝડપી લઈ ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેમજ આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત આ મામલે રાજકારણ ગરમાતા જિલ્લા પોલીસવડાએ ખાતાકીય કારણ ધરીને તાત્કાલિક અસરથી બગદાણા પીઆઈ ડી.વી.ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે આ કેસની તપાસ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપવામાં આવી છે.
ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેષ પાંડેયે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કેસ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોય તેવી કોઈ વાત જ નથી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ, સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી કેમેરાના આધારે પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે કોઈને પણ છોડવામાં નહી આવે.
બગદાણા ના બનાવ ને ભાવનગર જિલ્લા કોળી સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ કરશનભાઈ વેગડે બગદાણા માં બનેલા અંગે ન્યાયની અપાવવાની માંગણી કરી છે અને મુશ્કેલીના સમયમાં કોળી સમાજ સાથે છે જ તેમ જણાવ્યું હતું.
રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો એ મોટી સંખ્યામાં પીડિત યુવાન નવનીતભાઈ બાલધીયા ની મુલાકાત લીધી હતી.(૨૩.૧૩)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
