News of Friday, 2nd January 2026
રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના ખાખરીયા–ભૂખળી–સાંથળી રોડ તથા બાંટવાદેવળી–બરવાળા રોડ પર પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત
કુંકાવાવને APMCની સુવિધા મળતા આસપાસના ગામના ખેડૂતો માટે સરળતા થઈ : ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા : બાંટવાદેવળી પ્રાથમિક શાળાના 'બાળ વૈજ્ઞાનિકો'ને બિરદાવતા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી તા.૨ : ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાખરીયા–ભૂખળી–સાંથળી રોડ પર રૂ. ૩૦ લાખના ખર્ચે બનનાર પ્રોટેક્શન વોલના કામનું તેમજ બાંટવાદેવળી–બરવાળા રોડ પર બાંટવાદેવળી મુકામે રૂ. ૦૮ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સલામતી અને આવાગમનની સુવિધાઓ સુદૃઢ બનાવવા પ્રતિબદ્ધ છે. બાંટવાદેવળીમાં રૂ. ૮૫ લાખના ખર્ચે શાળા તૈયાર કરવામાં આવી છે. ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી બાંટવાદેવળીમાં ૧.૭૨ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાને તાલુકાની રચના થઈ ત્યારબાદ પ્રથમવાર એ.પી.એમ.સી આપવામાં આવ્યું. આ યાર્ડ આજે મગફળીથી છલોછલ ઉભરાઈ રહ્યું છે. ખેડૂતોને આ એ.પી.એમ.સીના કારણે બગસરા અથવા અમરેલીના બદલે નજીકમાં સુવિધા મળી છે. વડિયા તાલુકાને પ્રથમ સરકારી કોલેજ આપવામાં આવી જેના લીધે આર્ટ્સ-કોમર્સ-સાયન્સનું ઉચ્ચ શિક્ષણ ઘરઆંગણે મળી શકે છે.
આ પ્રંસગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ બાંટવાદેવળી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું. બાળકોની સર્જનાત્મકતા, સમજણ અને આત્મવિશ્વાસ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. નાની વયમાં જ વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ અને નવીન વિચારો ભવિષ્યના ઉજ્જવળ સંકેત છે. તમામ બાળકોને તેમના અભ્યાસ અને આવનારા ભવિષ્ય માટે હાર્દિક શુભકામના પાઠવી હતી.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એ.પી.એમ.સી કુંકાવાવના ચેરમેન ગોપાલભાઈ અંટાળા, તાલુકા પંચાયતના સભ્ય ગજેન્દ્રભાઈ પટોળીયા, સરપંચ સહિત અગ્રણી શૈલેષભાઈ ઠુંમર, આસપાસના ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
