<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના મોરવાડા પ્રાથમિક શાળાના નવા વર્ગખંડોનું લોકાર્પણ

રાજય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી મોરવાડાના ખેડૂતોના ખાતામાં રૂ.૧.૩૭ કરોડ જમા થયા : રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા : ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક સુવિધાની ભેટ

અમરેલી તા.૨ :  સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કુંકાવાવ તાલુકાના મોરવાડા પ્રાથમિક શાળામાં રૂ. ૨૪.૪ લાખના ખર્ચે નિર્મિત નવા વર્ગખંડનું લોકાર્પણ ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, આશરે ૧૨૦૦ની વસ્તી ધરાવતા મોરવાડા ગામમાં બાળકોને ગુણવત્તાયુક્ત અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી–વડિયા–કુંકાવાવ વિસ્તારના અંદાજે ૯૦ ટકા ગામડાંઓમાં શાળાના નવા ભવન અને વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, મોરવાડા ગામમાં રૂ. ૫૨ લાખના અન્ય વિકાસકાર્યો પણ મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

         ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ જાહેર કરેલા રાહત પેકેજ અંતર્ગત મોરવાડા ગામના ખેડૂતોના ખાતામાં અંદાજે રૂ. ૧.૩૭ કરોડની રકમ જમા કરવામાં આવી હોવાનું રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતોને વિશાળ રાહત પેકેજ આપવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 

આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ ગ્રામજનો અને બાળકો સાથે આત્મીય સંવાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. નવા વર્ગખંડોના નિર્માણથી બાળકોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને પ્રેરણાદાયી શૈક્ષણિક વાતાવરણ મળશે તેમજ વધુ સંખ્યામાં બાળકો શાળાના શિક્ષણનો લાભ મેળવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

 

કાર્યક્રમમાં એ.પી.એમ.સી કુંકાવાવના ચેરમેન ગોપાલભાઈ અંટાળા, તાલુકા પંચાયતના સભ્ય ગજેન્દ્રભાઈ પટોળીયા, સરપંચ સહિત અગ્રણીઓ શૈલેષભાઈ ઠુંમર, રમાબેન હીરપરા, ચેતનભાઈ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:26 PM IST)