<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

મોરબી જીલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં જીલ્લામાં બાંધકામ મંજૂરીની પ્રક્રિયાને જટિલ બનાવતા ત્રણ પરિપત્ર અંતે રદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩: મોરબી જિલ્લા પંચાયતના અગાઉના ડીડીઓ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બાંધકામ માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ફરજિયાત કરવા સહિતના ત્રણ પરિપત્ર અમલી બનાવ્‍યા હતા.  જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં સામુહિક ઠરાવ કરીને આ ત્રણેય પરિપત્ર રદ કરવામાં આવ્‍યા છે.

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓની અધ્‍યક્ષતામાં  ખાસ સામાન્‍ય સભા યોજાઈ હતી. જેમાં મુખ્‍યત્‍વે દસ દરખાસ્‍ત એજન્‍ડામાં સામેલ કરવામાં આવી હતી. ખાસ સામાન્‍ય સભામાં બાંધકામ મંજૂરી માટેના અગાઉના ત્રણ પરિપત્ર રદ કરવાનો મુખ્‍ય મુદ્દો સામેલ હતો. આ ત્રણેય પરિપત્ર રદ કરવા સામુહિક ઠરાવ પસાર ક૨વામાં આવ્‍યો છે. સાથે એવો ઠરાવ પણ કરવામાં આવ્‍યો છે કે જે ગ્રામ પંચાયત ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્‍વભંડોળના રૂ.૪૫ લાખના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને રૂ.૫ કરોડના કામને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તત્‍કાલીન ડીડીઓ જે.એસ.પ્રજાપતિએ ગ્રામ્‍ય વિસ્‍તારના ગેરકાયદેસર બાંધકામ ન થાય તે માટે રાજ્‍ય સરકારના પરિપત્ર અન્‍વયે ગામડામાં સંતુલિત વિકાસ અને નિયમબદ્ધ બાંધકામ થાય તે માટે તમામ ગ્રામ પંચાયતોને વિકાસ કામની મંજૂરી માટે તાલુકા પંચાયતના ઈજનેરનો અભિપ્રાય અને મંજૂરી ફરજિયાત કરી હતી. આ પ્રકારના ત્રણ પરિપત્ર અમલી થતા ગ્રામ્‍ય કક્ષાએ ગેરકાયદે બાંધકામ અટકી પડતા ભાજપના સભ્‍યોએ વિરોધ કરી અગાઉ અનેક રજુઆત કરવાની સાથે સરપંચ એસોસિએશન દ્વારા પણ રજુઆત થઈ હતી.છતા પરિપત્ર રદ ન કરવામાં આવતા હવે નવા ડીડીઓ આવ્‍યા બાદ ભાજપ અને કોંગ્રેસે સંયુક્‍ત પણે આ પરિપત્ર રદ કર્યો છે.

(10:47 AM IST)