News of Saturday, 3rd January 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં હાડ થીજાવતી ઠંડીઃ ગિરનાર પ.૭, નલીયામાં ૭ ડિગ્રી
શિયાળાની પ્રથમ કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયાઃ ગરમ વષાો અને તાપણાનો સહારો લીધો

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શિયાળાની પ્રથમ વખત કડકડતી ઠંડી પડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ગઇ કાલે સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ઠંડો પવન ફુંકાતા લોકોને આ શિયાળાની પ્રથમ કડકડતી ઠંડીનો અનુભવ થતા જનજીવનને ભારે અસર પડી છે.
આજે લોકોએ ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ વષાોનો સહારો લીધો હતો. અને લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. લઘુતમ તાપમાનનો પારો પણ સડસડાટ નીચે ઉતરી ગયો હતો. માનવ જીવનની સાથો - સાથ પશુ-પક્ષીઓ સહિતના જીવો પણ ઠંડીમાં ઠુંઠવાયા હતાં.
આજે વહેલી સવારે ગિરનાર ઉપર લઘુતમ તાપમાન પ.૭ ડીગ્રી, કચ્છના નલીયામાં ૭.૦ ડીગ્રી, રાજકોટમાં ૯.૪ ડીગ્રી, અમરેલીમાં ૧૧ ડીગ્રી, જામનગરમાં ૧૨ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિતના કેટલાક વિસ્તારમાં માવઠું વરસ્યું હતું. માવઠા બાદ હવે વાદળો વિખેરાતા અને ઠંડા પવનો ફુંકાવાનું શરૂ થતા ટાઢોડું છવાયું હતું. જે સૌથી વધુ ઠંડી ફરી એકવાર ૧૦.૮ ડિગ્રી સાથે નલીયામાં નોંધાઇ હતી. જ્યારે ચાર જગ્યાએ ૧૩ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માવઠાના વાદળો વિખેરાતા સવારથી જ ઠંડા પવનો ફૂંકાવવાનું શરૂ થઇ ગયું હતું. જેના કારણે ઠંડીનું મોજું ફરી વળતા લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા. આજે આખો દિવસ ઠંડા પવનો ફુંકાતા રસ્તાઓ પર લોકોની અવરજવર, પણ ઓછી જોવા મળી હતી. તેમજ લોકો સ્વેટર, ટોપીમાં સજજ જોવા મળ્યા હતા.
જાન્યુઆરી મહિનાના પ્રારંભિક સપ્તાહમાં કડકડતી ઠંડીના એંધાણ જોવા મળી રહ્યાં છે. આજે લઘુત્તમ અને મહત્તમ પારો ગગડ્યા બાદ આગામી ત્રણ દિવસમાં પણ લઘુતમ પારો નીચો જવાની શકયતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યાર બાદ ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના પગલે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી, મહત્તમ ર૬, ભેજ ૭૬ ટકા, અને પવનની ઝડપ ૭.ર કિ. મી. રહી હતી.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :. આજે સમગ્ર જુનાગઢ અને સોરઠ પ્રદેશમાં કડકડતી ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવનને અસર થઈ હતી. સવારે ગિરનાર પર ૫.૭ ડિગ્રી ઠંડી રહેતા પૂનમ નિમિત્તે આવેલા યાત્રિકો ઠીંગરાયા ગયા હતા.
ગઈકાલે જુનાગઢ સહિતના વિસ્તારોમાં તાપમાનમાં વધઘટ જોવા મળી હતી ૪૮ કલાકમાં આઠ ડિગ્રી થી વધુ વધઘટ નોંધાઈ હતી છેલ્લા બે દિવસથી હવામાન ચોખ્ખું થતાં આજે સવારે તાપમાનનો પારો ૪.૭ ડિગ્રી ગગડી ગયો હતો. જેના પગલે ગિરનાર પર્વત પર આજે સવારે સૌથી નીચું ૫.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સમગ્ર ગિરનાર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જેના પરિણામે આજે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રગટયોત્સવ નિમિત્તે દર્શન કરવા આવેલા યાત્રિકો સહિતના પ્રવાસીઓ ઠીંગરાઇ ગયા હતા. કાતિલ ઠંડીને લઈને ગિરનાર પર પાણી પણ બરફ જેવું થઈ ગયું હતું. ઠંડી વધવાની સાથે બરફીલો પવન પણ ફૂંકાતા પર્યટકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
ગિરનારની સાથે સાથે જુનાગઢનું લઘુત્તમ તાપમાન પણ ૪.૭ ડીગ્રી ઘટીને ૧૦.૭ ડિગ્રી થઈ જતા સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડી અનુભવાય હતી. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકારહેતા અને ૪.૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા ઠંડી વધુ કાતિલ બની હતી. જેના કારણે સવારે બજારોમાં કફર્યુ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત પ.૭ ડીગ્રી
અમદાવાદ ૧પ.૦ ડીગ્રી
બરોડા ૧પ.૦ ડીગ્રી
ભાવનગર ૧૪.૦ ડીગ્રી
ભુજ ૧૧.૪ ડીગ્રી
દમણ ૧૭.૦ ડીગ્રી
ડીસા ૧૧.૮ ડીગ્રી
દીવ ૧પ.૮ ડીગ્રી
દ્વારકા ૧પ.૧ ડીગ્રી
ગાંધીનગર ૧ર.૮ ડીગ્રી
કંડલા ૧૩.૦ ડીગ્રી
નલિયા ૭.૦ ડીગ્રી
ઓખા ૧૮.ર ડીગ્રી
પોરબંદર ૧૧.૪ ડીગ્રી
રાજકોટ ૯.૪ ડીગ્રી
સુરત ૧૬.૦ ડીગ્રી
વેરાવળ ૧પ.૮ ડીગ્રી
જામનગર ૧ર.૦ ડીગ્રી
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
