<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ભુજ-માધાપરના ટ્રાન્‍સપોર્ટર સાથે ૪૬.૯૦ લાખની ઠગાઇ : મોરબી આંગડીયા સંચાલક સામે ફરીયાદ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૩ : ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા ટ્રાન્‍સપોર્ટર્સ સાથે મોરબીમાં આંગડિયા પેઢીનો વહીવટ સંભાળતા શખ્‍સ અને આંગડિયા પેઢી વાળાએ કુલ મળીને ૪૬.૯૦ લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલ ટ્રાન્‍સપોર્ટ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આંગડિયા પેઢીના સંચાલક સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીપણે પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા અને માધવ ચેમ્‍બર્સમાં ઓફિસ ધરાવતા ટ્રાન્‍સપોર્ટર કલ્‍પેશભાઈ રમેશભાઈ ઠક્કર (૩૬)એ હાલમાં દિલીપસિંહ કનુભાઈ ગોહિલ રહે. મુળ પંચાસર તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ, જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ (ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક) રહે. મોરબી રોડ સેટેલાઈટ ચોક પુષ્‍કરધામ એવન્‍યુ ઉમિયા કળપા રાજકોટ અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્‍યુ છે કે, તેઓને ટ્રાન્‍સપોર્ટના ભાડાના ૨૪,૯૬,૮૫૦ રૂપિયા અલગ અલગ સમયે સાહેદ અમિતભાઈ મનસુખભાઈ ભટાસણા અને મહેશભાઈ ઘનશ્‍યામભાઈ હડિયલ રહે. મોરબી વાળા પાસેથી લેવાના હતા તે અને ફરિયાદીના કહેવાથી સાહેદ સુનિલભાઈ નરેન્‍દ્રભાઈ ઠક્કરના રૂપિયા ૨૧,૯૩,૮૫૦ આમ કુલ મળીને ૪૬,૯૦,૭૦૦ રૂપિયા મોરબીમાં આવેલ ધરતી ટાવરમાં ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટ સંભાળતા દિલીપસિંહ ગોહિલને આપ્‍યા હતા અને આ આંગડિયા પેઢીનો વહીવટ તેઓને આરોપી જગદીશભાઈ પટેલે સંભાળવા માટે થઈને આપ્‍યો હતો જોકે, ફરીયાદી તથા સાહેદના રૂપિયાની દિલીપસિંહ ગોહિલ પાસે અવારનવાર ઉઘરાણી કરવા છતાં તેઓને રૂપિયા આપવામાં આવ્‍યા ન હતા જેથી આ બાબતે જગદીશભાઈ પટેલને જાણ કરતા તેઓએ ફરિયાદી અને સાહેદોને વિશ્વાસ આપીને તમારા રૂપિયા ગમે તે રીતે હું આપી દઈશ મારા અને મારી પેઢી ઉપર વિશ્વાસ રાખો તેવું કહ્યું હતું અને ત્‍યારબાદ હજુ સુધી ફરિયાદીને રૂપિયા આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે આંગડિયા પેઢીના સંચાલક અને તેના માલિક સહિતનાઓની સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

(1:51 PM IST)