<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

પરિવારનો એકનો એક પુત્ર છીનવાયોઃ ધ્રોલના યુવાનનું અકસ્‍માતમાં મોત, પત્‍નીના સીમંત પહેલા જ માતમ

ધ્રોલ નજીક ગમખ્‍વાર અકસ્‍માતઃ અજાણ્‍યા ટ્રકની અડફેટે ઇકો પલટી ગઈ, પરિવારના એકના એક આશાસ્‍પદ યુવાનનું મોત

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૬: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક શિવ લહેરી હોટલ પાસે આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્‍માત સર્જાયો હતો. એક અજાણ્‍યા ટ્રક ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારતા કાર માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ધ્રોલના ચામુંડા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા ૩૦ વર્ષીય યુવાન બકાભાઈ પુનાભાઈ ટોયટાનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, બકાભાઈ પોતાની ઇકો કાર લઈને ધ્રોલ તરફ આવી રહ્યા હતા, ત્‍યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્‍યા ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે ઇકો કાર પલટી મારી ગઈ હતી અને બકાભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્‍થળ પર જ દમ તોડ્‍યો હતો. અકસ્‍માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટયો હોવાનું જાણવા મળ્‍યું હતું

આ ઘટનાની જાણ થતાં જ મળતદેહને પીએમ અર્થે ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો, જ્‍યાં ભરવાડ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા હતા. સમાજના આગેવાન ગોકળભાઈ વરુએ જણાવ્‍યા અનુસાર, મળતક બકાભાઈ પરિવારના એકના એક પુત્ર હતા અને ઇકો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમના પિતા મજૂરી કામ કરે છે. અત્‍યંત કરુણતા તો એ છે કે, બકાભાઈના લગ્ન થઈ ગયા છે અને તેમના પત્‍ની હાલ ગર્ભવતી છે, જેઓનું આવતા મહિને જ શ્રીમંત યોજાવાનું હતું. તે પૂર્વે જ આશાસ્‍પદ યુવાનનું મોત થતા પરિવાર પર આભ ફાટયું છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્‍પિટલ અને ઘટનાસ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ૩૦ વર્ષીય યુવાનના અકાળે અવસાનથી સમગ્ર ધ્રોલ પંથકમાં શોક છવાઈ ગઈ છે.(૨.૫)

(10:59 AM IST)