<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કેન્દ્રીય બજેટમાં નેચરલ ગેસને જીએસટીમાં સમાવેશ કરવા સહિતની માંગ, નાણામંત્રીને પત્ર લખી રજૂઆત.

ઉદ્યોગને હાલમાં નડતા પડકારો અને તેના ઉકેલ માટે નીતિગત ફેરફારોની માંગણી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વના સૌથી મોટા સિરામિક હબ તરીકે જાણીતા મોરબી સિરામિક ક્લસ્ટરના વિકાસને વેગ આપવા માટે મોરબી સિરામિક મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા આગામી કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. દેશના ઔદ્યોગિક વિકાસ અને નિકાસમાં મહત્વનું યોગદાન આપતા આ ઉદ્યોગને હાલમાં નડતા પડકારો અને તેના ઉકેલ માટે નીતિગત ફેરફારોની માંગણી કરી બજેટમાં સમાવેશ કરવા માંગ કરી છે

એસો.ની મુખ્ય માંગણીઓમાં સિરામિક ઉત્પાદનો પરના જીએસટી દરને વર્તમાન ૧૮% થી ઘટાડીને ૫% કરવાની રજૂઆત કરવામાં આવી છે. સંગઠનનું માનવું છે કે દર ઘટવાથી હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે માંગ વધશે અને ખાસ કરીને MSME એકમોને આર્થિક રાહત મળશે. આ ઉપરાંત, ઉદ્યોગ માટે મુખ્ય કાચો માલ ગણાતા નેચરલ ગેસને જીએસટીનાં દાયરામાં લાવવાની પણ જોરદાર માંગ કરાઈ છે, જેથી ઉત્પાદકોને ઈનપુટ ટેક્સ ક્રેડીટનો લાભ મળી શકે અને વૈશ્વિક બજારમાં ચીન જેવા દેશો સામે ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બની શકે.
ઉદ્યોગના માળખાકીય વિકાસ માટે મોરબી રાજકોટ ક્લસ્ટરમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રીસર્ચ ઇન્સ્ટીટયુટ જેવી અદ્યતન લેબોરેટરી, રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને તાલીમ કેન્દ્રો સ્થાપવાની માંગણી કરવામાં આવી છે. આ સુવિધાથી સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેસ્ટીંગ અને નવી ટેકનોલોજીની સહાય મળશે. આ સાથે જ ગ્રીન એનર્જી તરફ વળવા માટે સોલાર પાવર અને વેસ્ટ હીટ રીકવરી સીસ્ટમ માટે ખાસ સરકારી સહાય અને વ્યાજમાં રાહટ આપવા પણ અપીલ કરાઈ છે.
નિકાસ અને લોજીસ્ટીક ક્ષેત્રે પડતી મુશ્કેલીઓના નિવારણ માટે મોરબી ક્લસ્ટર માટે સમર્પિત લોજીસ્ટીક પાર્ક અથવા ડ્રાય પોર્ટની સ્થાપના કરવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત, નિકાસકારો માટે RODTEP નાં યોગ્ય દરો અને રેલ તથા બંદર મારફતે થતી નિકાસ પર ફ્રેટ રીબેટ આપવાની રજૂઆત કરવામાં આવી છે. એસોસીએશને અંતમાં આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકાર આ સૂચનો પર વિચાર કરી બજેટમાં યોગ્ય જાહેરાત કરશે, જેથી લાંબાગાળે સ્પર્ધાત્મકતા, ટકાઉ વિકાસ, વધુ રોજગાર સર્જન અને નિકાસ વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય.

(12:28 AM IST)