<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ધ્રોલ નજીક ફાયનાન્‍સના સીઝર હોવાનું કહી મોરબીના યુવાનને આંતર્યોઃ કાર પડાવી લીધી

 

ધ્રોલ તા. ૭ :.. જામનગર જિલ્લાના ધ્રોલ-જામનગર હાઇવે પર આવેલી રાધે-શ્‍યામ હોટલ પાસે  સનસનીખેજ ઘટના સામે આવી છે. મોરબીથી જામનગર જઈ રહેલા ૨૦ વર્ષીય યુવાનને રસ્‍તામાં આંતરી, પોતાની ઓળખ ફાયનાન્‍સ કંપનીના સીઝર તરીકે આપી, ત્રણ શખ્‍સોએ બળજબરીપૂર્વક કાર પડાવી લીધી હતી. આ મામલે ધ્રોલ પોલીસ મથકમાં લાલભા, સુખુભા અને એક અજાણ્‍યા શખ્‍સ વિરુદ્ધ લૂંટ અને એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ઘટનાની વિગતો મુજબ, મોરબીના રોહીદાસપરા, આંબેડકર કોલોનીમાં રહેતા અને કોન્‍ટ્રાક્‍ટર તરીકે વ્‍યવસાય કરતા રવિભાઇ ઉર્ફે કારો મનુભાઇ સારેસા (અનુ.જાતિ, ઉ.વ. ૨૦) ગત સોમવારે પોતાના પિતાની માલિકીની સ્‍વિફટ કાર નંબર GJ-૩૬-AC-૪૬૧૦ લઈને  જઈ રહ્યા હતા. બપોરે એકાદ વાગ્‍યાની આસપાસ તેઓ ધ્રોલ પાસે આવેલી રાધે-શ્‍યામ હોટલે ચા-પાણી પીવા માટે ઉભા રહ્યા હતા, ત્‍યારે આ વારદાત બની હતી.

પોલીસ ફરિયાદ વિગતો અનુસાર, રવિભાઇ હોટલ પર ઉભા હતા ત્‍યારે લાલભા, સુખુભા અને આશરે ૩૦ વર્ષની વયના એક અજાણ્‍યા શખ્‍સે આવીને તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ શખ્‍સોએ જણાવ્‍યું હતું કે, આ ગાડીના હપ્તા ચડી ગયા છે અને અમે ફાયનાન્‍સ કંપનીના સીઝર છીએ. તેમ કહી રવિભાઇ પાસેથી  કાર પડાવી લીધી હતી. જ્‍યારે રવિભાઇએ વિરોધ કર્યો ત્‍યારે આરોપીઓએ એકસંપ થઈ તેમને  અપમાનિત કરી, માર માર્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદીના નિવેદનના આધારે   તપાસ ધ્રોલ  ઇન્‍સ્‍પેક્‍ટર  એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ તથા એસ.સી./એસ.ટી. સેલ જામનગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

(10:27 AM IST)