News of Wednesday, 7th January 2026
પોરબંદરમાં મેદસ્વીતા મુકત ગુજરાત હેઠળ યોગ શિબિર : લોકોને જોડાવવા અર્જુનભાઇની અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા,.૭ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુકત ગુજરાત' અભિયાન હેઠળ આયોજિત મેદસ્વિતા મુકિત શિબિર ફેઝ-૩ની સફળતા માટે પોરબંદર ધારાસભ્ય તથા વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોરબંદર જિલ્લાના નાગરિકોને સ્વાસ્થ્ય સુખાકારી માટે વધુમાં વધુ લોકો આ યોગ શિબિરનો લાભ લે તેવી અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઈન્ડિયા' સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના નેતૃત્વમાં રાજ્યભરમાં યોગ દ્વારા મેદસ્વિતા નિવારણ માટે વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર શહેર ખાતે સ્વ. વસનજી ખેરાજ પ્રાથમિક શાળા, ચોપાટી રોડ ખાતે મેદસ્વિતા મુકિત શિબિર ફેઝ-૩નું આયોજન કરવામાં આવ્યું છે તેમ અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.
આ શિબિર તા. ૨ સુધી સતત એક માસ સુધી ચાલશે. શિબિરમાં યોગ દ્વારા મેદસ્વિતા નિવારણ, આહાર-વિહાર અંગે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને વજન ઘટાડવા માટે દરરોજ આરોગ્ય વર્ધક ઉકાળા અને જ્યુસ આપવામાં આવે છે સાથે જરૂરી કસરતો, યોગ પણ કરવામાં આવે છે.
કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના 'ફિટ ઈન્ડિયા' અભિયાન અને મુખ્યમંત્રીના 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુકત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુથી પોરબંદરમાં આ વિશેષ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કેમ્પના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી અને પોરબંદર જિલ્લાના તમામ ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની મેદસ્વીતા મુકત બનવા નમ્ર અપીલ કરી હતી.
આ મેદસ્વિતા નિવારણ યોગ શિબિર ગુજરાત યોગ બોર્ડ ના ચેરમેન યોગ સેવક શિશપાલજીના નેતૃત્વ માં સ્ટેટ કો ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડીનેટર ચેતનાબેન ગજેરા અને ડિસ્ટ્રિકટ કો ઓર્ડીનેટર કેતન કોટિયાના સીધા માર્ગદર્શનમાં જિલ્લાના નિષ્ણાત યોગ ટ્રેનર મુખ્ય સંચાલક નીતાબેન ભરડા, સહ સંચાલક રીનાબેન ભરડા ,હંસાબેન ત્રિવેદી સહયોગી મહેશભાઈ મોતીવરસ દ્વારા સંચાલન કરવામાં આવી રહયું છે
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
