<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ખંભાળીયાના ચીફ ઓફિસરની બદલી માટે બનાવટી સહીઓનો ઉપયોગ થતા તપાસ

પાલિકાના સદસ્‍યો તેમની ખોટી સહીઓ કરીને મંત્રીને લખેલા પત્ર અંગે ફરીયાદ કરશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૮ :  નગરપાલિકા અનેક બાબતોમાં હંમેશા કંઇક ને કંઇક વિવાદોમાં જ રહેતી હોય છે. ત્‍યારે તાજેતરમાં પાલિકાના વર્તમાન ચીફ ઓફિસરને બદલવા માટે પાલિકાના કારોબારી ચેરમેન સહિતના સદસ્‍યો દ્વારા  જે પત્ર રાજયના શહેરી વિકાસ મંત્રીઓને લખાયેલ તેમાં પાલિકાનો લેટરપેડ તથા પાલિકાના જાવક નંબર ચડાવીને નાખવાનું બહાર આવતા આ પત્ર સ્‍ફોટક બન્‍યો છે. ત્‍યારે સહી કરાયેલ પૈકી પાંચ સદસ્‍યોની બનાવટી સહિઓ તેમને જાણ વગર થયાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે.

તા. ૧૭-૧ર-રપ નો જાવક નં. રેફ. નં. ૧૯૩૩ થી મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ તથા મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાને લખેલા આ પત્રમાં કારોબારી ચેરમેન સહિત ૧૦ પાલિકાના સદસ્‍યોની સહીઓ સિક્કાઓ સાથે લખેલા આ પત્રમાં લખાયેલ કે ખંભાળિયા પાલિકાને ક વર્ગમાંથી આ વર્ગમાં કરાયેલ તથા ઘણા વિસ્‍તારો પાલિકામાં ભળ્‍યા છે ત્‍યારે પાલિકાના ચીફ ઓફિસર તરીકે વર્ગ-૩ ના રાહુલ કરમૂરની નિયુકિત થઇ છે જે નિયમિત રહેતા નથી તથા બીનઅનુભવી હોય શહેરના વિકાસને માઠી અસર પહોંચી છે.

પાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, પૂર્વ શાસક નેતા દિલીપભાઇ ઘઘડા તથા હંસાબા ભીખુભા જાડેજા સહિત પાંચ સદસ્‍યોએ સહીઓ કરી જ નથી કે આ પત્રની તેમને ખબર નથી પણ પાલિકા સદસ્‍યો પૈકી કોઇને વર્તમાન ચીફ ઓફિસર નડતા હોય કે કંઇ ભાગ બટાઇમાં વાંધા પડયા હોય આવી રીતે પાંચ સદસ્‍યોની ખોટી સહીઓ કરીને આવો પત્રને પણ પાલિકાના લેટર પેડ પર મોકલતા સ્‍થાનિક પાલિકા રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. તથા આ બાબતે પાલિકાના જે સદસ્‍યોની ખોટી સહીઓ થઇ છે તેમના દ્વારા પક્ષના સ્‍થાનિક હોદ્દેદારોને પણ ફરીયાદ કરાઇ છે.

(1:37 PM IST)