News of Friday, 9th January 2026
સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે જૂનાગઢના શિવાલયોમાં ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ
જૂનાગઢ મહાનગરપાલિકા મેયર, ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સિદ્ધેશ્વર મંદિરમાં ઓમકાર જાપનો આરંભ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૦૯ સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોર્તિલિંગમાંના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ભૂતનાથ મંદિર, શાંતેશ્વર મહાદેવ મંદિરમાં ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ નિમિત્તે જૂનાગઢ શહેરના શિવાલયો જેમાં ગિરનાર તળેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મંદિરમાં સવારે અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. જયારે જોષીપરામાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મેયર ધર્મેશભાઈ પોશિયા,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પુર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમા ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા મેયરશ્રી, ધારાસભ્યશ્રી, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી સહિતના પદાધિકારીઓ ઓ પણ ઓમકાર જાપમાં શ્રદ્ધાપૂર્વક સહભાગી બન્યા હતા.
ઉપરાંત કોલેજ રોડ પર સ્થિત ભુતનાથ મહાદેવ અને દોલતપરામાં શાંતેશ્વર મહાદેવ મંદિરમાં પણ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સોમનાથ મંદિરની ૧૦૦૦ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાનુ પણ સ્મરણ કરવામાં આવ્યું હતું.
આમ, આજથી શરૂ થઇને તા. ૧૧ જાન્યુઆરી સુધી એટલે કે ૭૨ કલાક સુધી અખંડ ઓમકારના ગુંજન સાથે મહાદેવની વિશેષ આરાધના અને ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના યોજાશે. સાથે જ જૂનાગઢના તમામ શિવાલયોમાં પણ સાંજે સમૂહ આરતીઓનું આયોજન થનાર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તા. ૧૧ જાન્યુઆરીના રોજ યોજાનાર સ્વાભિમાન પર્વ અન્વયે યોજાનાર શોર્ય યાત્રામાં જૂનાગઢ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં ભાવિકો સહભાગી બનનાર છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૦૦ એકસ્ટ્રા બસ પણ જૂનાગઢ થી સોમનાથ દોડાવવામાં આવનાર છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
