News of Sunday, 11th January 2026
સુરેન્દ્રનગરમાં મધરાતે મચી ચીસાચીસ: 'ઘર હો તો ઐસા' ફ્લેટના છઠ્ઠા માળે ફાટી નીકળી ભયાનક આગ, અનેક પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા
જીનતાન રોડ પર હાઈરાઈઝ બિલ્ડિંગના 606 નંબરના એપાર્ટમેન્ટમાં હીટરના શોર્ટ સર્કિટથી ભભૂકી આગ: જાનહાનિ ટળી પણ ઘરવખરી બળીને રાખ, ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લાયબંબાનો મારો ચલાવી જ્વાળાઓને શાંત કરી

સુરેન્દ્રનગર:ઝાલાવાડના મુખ્ય મથક એવા સુરેન્દ્રનગર શહેરમાં શિયાળાની રાત્રિએ ભયનો માહોલ સર્જાયો હતો. શહેરની મધ્યમાં જીનતાન રોડ પર આવેલી જાણીતી હાઈરાઈઝ બિલ્ડિંગ 'ઘર હો તો ઐસા'ના છઠ્ઠા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. મધરાતે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે ફ્લેટ નંબર 606 માંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાળાઓ નીકળતી જોઈ આખી બિલ્ડિંગના રહીશો જીવ બચાવવા સીડીઓ વાટે નીચે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.
સદનસીબે, જે ફ્લેટમાં આગ લાગી હતી તે પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી તુરંત જ બહાર નીકળી જતાં એક મોટી જાનહાનિ ટળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફ્લેટમાં રહેલું કિંમતી ફર્નિચર, ટીવી-ફ્રીજ જેવા વીજ ઉપકરણો અને ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. રહીશોએ તાત્કાલિક સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ સાંકડી ગલીઓ અને ઉંચાઈ પર આગ હોવાને કારણે શરૂઆતમાં ફાયર ફાઈટરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ફાઈટરની ટીમે સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, કડકડતી ઠંડીથી બચવા માટે રૂમમાં ચાલુ રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક હીટરમાં અચાનક ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયું હતું અને તેના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનાએ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનોની સજ્જતા અને શિયાળામાં વીજ ઉપકરણોના વપરાશ સામે લાલબત્તી ધરી છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. 'ઘર હો તો ઐસા' ફ્લેટમાં લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગની ફાયર એનઓસી અને સેફ્ટી સિસ્ટમ કાર્યરત હતી કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મધરાતે સર્જાયેલા આ અગ્નિકાંડને કારણે હજુ પણ ફ્લેટના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
