<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

નવલખી હાઈવે પર કાળનો પંજો: નાના દહીંસરા પાસે ટ્રક અને ઇકો વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત

મિત્રની ગાડીમાં લિફ્ટ લેવી જિંદગીની છેલ્લી મુસાફરી બની: પીપળીયા ચોકડીથી ઘરે જતી વખતે કાળમુખા ટ્રક ટ્રેઇલરે ઇકોને એવી ટક્કર મારી કે ડ્રાઈવર સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો – માથામાં ગંભીર ઈજા બાદ હોસ્પિટલના બિછાને રફીકે તોડ્યો દમ, હારૂનનો આબાદ બચાવ

માળિયા (મી.):મોરબી જિલ્લાના માળિયા (મી.) તાલુકાના નવલખી હાઈવે પર લોહીલુહાણ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નાના દહીંસરા ગામના પાટિયા પાસે એક બેફામ ગતિએ આવતા ટ્રક ટ્રેઇલરે ઇકો કારને અડફેટે લેતા એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. ગત તારીખ ૮ ના રોજ બનેલી આ ઘટનામાં ન્યુ નવલખી ગામના ૧૯ વર્ષીય હારૂન હાજી જામ જ્યારે પીપળીયા ચોકડીએ કામ પતાવી ઘરે જવા વાહનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમના જ ગામના મિત્ર રફીક દાઉદ જંગીયા પોતાની ઇકો કાર લઈને ત્યાંથી પસાર થયા હતા. હારૂને હાથ બતાવી ગાડી ઉભી રખાવી અને ઘરે જવા માટે ગાડીમાં બેઠા, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે આ સફર તેમના મિત્ર માટે અંતિમ સાબિત થશે.

જેવી ઇકો કાર નાના દહીંસરા ગામના પાટિયા પાસે પહોંચી, ત્યારે સામેથી આવતા ટ્રક ટ્રેઇલર નંબર જીજે ૩૬ ટી ૪૪૯૯ ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ઇકો કારની ડ્રાઈવર સાઈડમાં જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારના કાચ તૂટીને રફીકના શરીરમાં ઘૂસી ગયા હતા અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર ચલાવી રહેલો રફીક લોહીલુહાણ હાલતમાં સ્ટીયરિંગ પર જ ઢળી પડ્યો હતો, જ્યારે બાજુમાં બેઠેલા હારૂનને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ સ્થાનિકોએ એકઠા થઈને રફીકને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, તેની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. મૃત્યુ સામે ઝઝૂમ્યા બાદ આખરે રફીક જંગીયાએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે ન્યુ નવલખી ગામે પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રને ઘરે સુરક્ષિત પહોંચાડવાની આશા સાથે નીકળેલો યુવાન પોતે જ કાયમ માટે પોઢી જતાં પરિવારે કલ્પાંત કર્યો હતો.

આ મામલે હારૂન જામની ફરિયાદના આધારે માળિયા પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવલખી હાઈવે પર ભારે વાહનોના વધતા ટ્રાફિક અને બેફામ ડ્રાઈવિંગને કારણે અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે, જેમાં વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. હાઈવે પર સુરક્ષાના સાધનો અને સ્પીડ કંટ્રોલ મુકવાની માંગ હવે ગ્રામજનો દ્વારા જોર પકડી રહી છે.

(3:48 PM IST)