<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

યાત્રાધામ વીરપુર બજારમાં SBI ATM ૧૦ દિ'થી બંધ

યાત્રાળુઓ તેમજ સ્‍થાનિકોને રોકડ રકમ માટે ભારે મુશ્‍કેલીઓ

વીરપુર તા.૧૨: વીરપુરમાં પૂજ્‍ય જલારામ બાપાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડે છે. હાલ શિયાળાની ઋતુ અને ડિસેમ્‍બર મહિનો હોવાથી એનઆરઆઈ (NRI) અને અન્‍ય રાજ્‍યોમાંથી આવતા પ્રવાસીઓની સંખ્‍યા પણ વિશેષ છે. આવા સમયે, ગામની મધ્‍યમાં અને મુખ્‍ય બજારમાં આવેલું એકમાત્ર SBI ATM તંત્રની બેદરકારીને કારણે છેલ્લા દસ દિવસથી તાળા મારેલી હાલતમાં છે (શટર ડાઉન છે).

પ્રવાસીઓથી સતત ધમધમતા યાત્રાધામમાં મુખ્‍ય બેંકનું ATM ૧૦-૧૦ દિવસ સુધી રિપેરીંગ વિના બંધ કેમ? શું યાત્રિકોની પરેશાની દેખાતી નથી? દોઢ કિલોમીટર દૂર બેંક સુધી વળદ્ધો અને અજાણ્‍યા મુસાફરો કેવી રીતે જાય? સ્‍થાનિક લોકો અને યાત્રિકોની એક જ માંગ છે કે સત્‍વરે આ ATM પુનઃ કાર્યરત કરવામાં આવે જેથી દૂર-દૂરથી વીરપુર આવતા ભાવિકોની શ્રદ્ધા યાત્રા સુખદ રહે અને તેમને આર્થિક વ્‍યવહારમાં કોઈ મુશ્‍કેલી ન પડે.

ભાવનગરથી વીરપુર દર્શન માટે આવેલા યાત્રિક સુનિલ ચુડાસમાએ જણાવતા કહ્યું હતું કે, તેઓ પરિવાર સાથે દર્શન માટે આવ્‍યા હતા. ખરીદી કરવા માટે રોકડ રકમની જરૂર પડતાં તેઓએ સ્‍થાનિકોની મદદથી ATM શોધ્‍યું હતું. પરંતુ ATM પર પહોંચતા જ તેમને નિરાશા સાંપડી હતી કારણ કે તે બંધ હાલતમાં હતું.

વીરપુરના સ્‍થાનિક રહીશ અને વ્‍યાપારી રમેશભાઈ ગઢિયાએ પરિસ્‍થિતિની ગંભીરતા વર્ણવતા જણાવ્‍યું હતું કે, વીરપુર માત્ર યાત્રાધામ નથી પરંતુ અહીં ખરીદી માટેની એક મોટી બજાર પણ છે. અહીં આવતા યાત્રિકો પ્રસાદી અને અન્‍ય ચીજવસ્‍તુઓની ખરીદી કરતા હોય છે. હાલ ડિસેમ્‍બર મહિનામાં એનઆરઆઈ અને પ્રવાસીઓ મોટી સંખ્‍યામાં આવી રહ્યા છે ત્‍યારે જ ATM બંધ હોવું એ શરમજનક બાબત છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘‘આ ATM બંધ હોવાથી લોકોને દોઢ કિલોમીટર દૂર આવેલી SBI બેંકની શાખા સુધી લાંબા થવું પડે છે. બહારગામથી આવતા યાત્રિકોને ગામના રસ્‍તાઓની ખબર હોતી નથી, જેના કારણે તેઓ રઝળી પડે છે. આ ATM નું શટર વહેલી તકે ખોલવામાં આવે તેવી ગામના નાગરિક તરીકે મારી માંગ છે. તસવીરઃ કિશનસિંહ મોરબીયા- વીરપુર)

(1:21 PM IST)