<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

"માત્ર આકાશમાં પતંગ નહીં, ગરીબોના ચહેરા પર સ્મિત લહેરાવ્યું" – યુનિટી હોસ્પિટલની સરાહનીય કામગીરી.

ધ્રોલના ખારવા ગામે મકરસંક્રાંતિના પર્વે માનવતાની મહેક: યુનિટી હોસ્પિટલ દ્વારા 1500 શ્રમિકોને ભોજન કરાવાયું

ધ્રોલ : દાન-પુણ્ય અને પરોપકારના પવિત્ર પર્વ મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ની ધ્રોલ પંથકમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ દિવસે ધ્રોલની જાણીતી 'યુનિટી હોસ્પિટલ' ના ડો. જીગ્નેશભાઈ હિરાણી તથા ડો. દિપ્તીબેન હિરાણી દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રેરણાદાયી સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધ્રોલ તાલુકાના ખારવા ગામે આવેલ પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન નાગબાઈ માતાજીના મંદિર ખાતે ગત રોજ બપોરે ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખારવા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરતા અંદાજે 1500  જેટલા ખેત મજૂરો અને જરૂરિયાતમંદ પરિવારોને હોંશે હોંશે ભોજન કરાવવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના પાવન દિવસે માતાજીના સાનિધ્યમાં શ્રમિકોના જઠરાગ્નિ તૃપ્ત કરી ડોક્ટર દંપતીએ 'સેવા એ જ ધર્મ' ના મંત્રને સાર્થક કર્યો હતો.
આ તકે યુનિટી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ તેમજ ખારવા ગામના અગ્રણીઓ સર્વશ્રી અરવિંદભાઈ હિન્સુ, મહેશભાઈ ચીખલીયા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. તહેવારોના દિવસે મોજ-મજાની સાથે સમાજના છેવાડાના માનવીને યાદ કરી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ગ્રામજનો અને પંથકના લોકોએ ભારોભાર પ્રશંસા કરી હતી. ( સંજય ડાંગર ધ્રોલ )

(7:54 PM IST)