<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મોરબીમાં પોલીસની ‘૧૧૨ જનરક્ષક’ વાન અકસ્માત મામલે ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

એક રિક્ષા અને ઇકો કારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો:રિક્ષામાં સવાર બે યુવતીઓને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજા:રિક્ષા ચાલક સહિત અન્ય ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઇ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ધરમપુર રોડ પર રાત્રિના સમયે પોલીસની ‘૧૧૨ જનરક્ષક’ વાનના ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી એક રિક્ષા અને ઇકો કારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર બે યુવતીઓને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે રિક્ષા ચાલક સહિત અન્ય ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.

    ઘટનાની વિગતો મુજબ, લાભનગરમાં રહેતા જગદીશભાઈ અંગેચાણીયા પોતાની રિક્ષામાં પોતાની દીકરી અને લતાના અન્ય યુવતીઓને કારખાનેથી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ધરમપુર રોડ પર આવેલી ગોળાઈ પાસે પુરપાટ ઝડપે આવતી જનરક્ષક પોલીસ વાન (નં. GJ 36 G 0193) ના ચાલકે રિક્ષા GJ 36 W 4462 ને હડફેટે લઈ પાછળ આવતી ઇકો કાર સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. રિક્ષા ચાલક જગદીશભાઈ અગચાણીયાએ ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો હતો કે, અકસ્માત સર્જનાર પોલીસ વાનનો ચાલક નશાની હાલતમાં હોય તેવું જણાતું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર જયશ્રી અને મિતલ નામની યુવતીઓને જમણા પગે ગંભીર ફેક્ચર થયા છે.
   આ મામલે મોરબી પોલીસે રિક્ષા ચાલકની ફરિયાદને આધારે પોલીસ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર વાન ચાલક સામે તપાસ શરૂ કરી છે અને ફરિયાદી દ્વારા વાન ચાલક પર કરવામાં આવેલા નશાના આરોપ અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

(7:13 PM IST)